મહિસાગર,
ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગરના તા.03/11/2022ના પરીપત્ર અન્વયે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. આચાર સંહીતામાં કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ, રાજકીય/બિનરાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરી દરમિયાન સરકારી તથા બોર્ડ/નિગમ/કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ મહિસાગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કેન્દ્ર કે રાજય સરકારના મંત્રીઓ વિગેરે ચૂંટણી પ્રચાર કાર્ય અથવા ચૂંટણીને સબંધકર્તા બાબતો અંગે કોઇપણ જાતની મુસાફરીમાં સરકારી વાહનોનો બિલકુલ ઉપયોગ કરી શકશે નહીં. આવા વાહનોમાં હેલીકોપ્ટર, એરક્રાફટ, કાર, જીપ, ઓટોમોબાઇલ, બોટ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી વાહનો ઉપરાંત રાજય સરકારના સાહસો, સંયુકત સાહસો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, નિગમો, નગરપાલીકાઓ, ખરીદ-વેચાણ સંધો, મહાસંઘો, સહકારી સોસાયટીઓ, જિલ્લા તાલુકા પંચાયતો તેમજ જાહેરનાણાંનો જરા પણ હિસ્સો હોય તેવી કોઇપણ સંસ્થાઓના વાહનોનો ચૂંટણી પ્રચાર માટે બિલકુલ ઉપયોગ કરી શકાશે નહીં.