ગેનીબેન અને ૠત્વિક મકવાણા ચાલુ સભામાં રડી પડ્યા: બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને ભવ્ય રેલી અને સભા યોજ્યા બાદ ઉમેદવારી નોંધાવી

  • શક્તિપ્રદર્શન સાથે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

પાલનપુર,પ્રચંડ શક્તિપ્રદર્શન સાથે આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને ભવ્ય રેલી અને સભા યોજ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી જોકે સભામાં ઉમટેલી જનમેદની જોઈ ગેનીબેન રડી પડ્યા હતા. તો બીજી તરફ સુરેન્દ્રનગર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર ૠત્વિક મકવાણા રડી પડ્યા હતા. ગેનીબેન સ્ટેજ પર જ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આસું આવી ગયા હતા.

ગેનીબેને સંબોધનમાં કહ્યું હતું કે, મારા ૨૮ વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી લઈને ધારાસભ્ય સુધી લોકોની સેવા કરી છે. આ જિલ્લાને કોઈ બાનમાં લેવા માંગતા હોય તો અમે નહિ લેવા દઈએ. જેનાથી તમે ડરો છે એના માટે તમારીબેન ગેનીબેન કાફી છે. હું ગરીબ પરિવારમાં જન્મી છું પણ હું જનતાને ભરોસો આપું છું કે હું ભૂતકાળમાં કોઈ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવીશ નહિ. એકબાજુ જનશક્તિ છે તો બીજું બાજુ ધનશક્તિ છે. હું બનાસની બેન છું, તો સામે બનાસ બેંક છે. લોકશાહી પૈસાથી ન ખરીદાય તે ૨૦૧૭ની મારી વાવની ચુંટણી લોકોએ બતાવ્યું છે. મારા લોકોને કોઈ વહીવટી તંત્ર હેરાન કરવા માગતું હોય તો હું ઝાંસીની રાણીની જેમ ચાલીશ. હું તમને ગીતાની અને સંવીધાનની સાક્ષીએ ખાતરી આપું છું. હજુ ૭ તારીખ સુધી ઘણા બધા રંગો આવવાના છે હજુ તેવો રેલમછેલ કરશે પણ મારા બનાસકાંઠાના લોકો આંચ નહિ આવવા દે. આ ચૂંટણી મારે બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે. મને જિલ્લો ઝાંસીની રાણી તરીકે સરખાવતી હોય તો મારે પોલીસ પ્રોટેક્શન લેવું ન પડે. મારે એક દીકરો છે તેના લગ્ન થઈ ગયા છે હવે મારે પરિવારમાં હવે ચિંતા નથી એટલે હું મારું જીવન બનાસકાંઠાની જનતા માટે જીવવા માંગુ છું. મારે રોજના ૫૦ હજાર લાખ આવે અને હું એ મારી સાથેના લોકોને આપું ત્યારે મને રાત્રે વિચાર આવે અને એમ થાય કે આ જનતાએ તારા ઉપર ભરોસો મુક્યો એ તોડથી નહિ.ત્યારે આગળ વાત કરતા ગેનીબેન લાગણીશીલ થયા હતા. સભામા ઉમટેલી જનમેદની જોઈ રડતા રડતા કહ્યું કે મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે લોકોની જિંદગી વીતી જાય તો ટીકીટ નથી મળતી.મને ભગવાને આપ્યું છે તો મારી લાજ રાખજો.

બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દેશી અંદાજમાં ટ્રેક્ટરમાં સવારી કરીને ફોર્મ ભરવા માટે રવાના થયા હતા. તેમની સાથે ટ્રેક્ટર અને અન્ય વાહનોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યર્ક્તા જોવા મળ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા ગેનીબેને ભવ્ય રેલી કાઢી છે, અને બાદમાં સભાને સંબોધન કર્યું હતું ભાભરની આનંદ ધામ ગૌશાળા ખાતે આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિલગના દર્શન કરી ગેનેબેન ઠાકોર સભામાં જવા થયા રવાના હતા. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, જીગ્નેશ મેવાણી સહિત અનેક કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે. રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે.