બેંગ્લુરુ: લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પ્રચાર કરી રહેલા દિગ્ગજ નેતાઓ જનતાને લોભામણા વચનો આપી રહ્યા છે અને આ સાથે જ પોતાના હરીફ પર હુમલો કરવાનું પણ નથી ચૂકી રહ્યા પરંતુ આ દરમિયાન ઘણી વખત તેમની જીભ લપસી જાય છે. કર્ણાટકમાં પણ આવી જ ઘટના જોવા મળી. અહીં ભાજપના નેતા સંજય પાટીલે કોંગ્રેસના નેતા અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી હેબ્બાલકરને દારૂ પીવાની સલાહ આપી દીધી. તેમણે કથિત રીતે કહ્યું કે, રાત્રે સારી ઊંઘ ન આવતી હોય તો એક એક્સ્ટ્રા પેગ લગાવી લેજો. તેમના આ નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. આ મામલે પલટવાર કરતા કોંગ્રેસ પાર્ટીએ ભાજપની તુલના કૌરવો અને રાવણ સાથે કરી છે.
આ ઘટના એવી છે કે, કર્ણાટકના મહિલા અને બાળ વિકાસ મંત્રી લક્ષ્મી હેબ્બાલકર પર કટાક્ષ કરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પાટીલે કહ્યું કે કર્ણાટકમાં ભાજપના ઉદયને કારણે હેબ્બાલકર ખૂબ જ ચિંતિત હશે અને કદાચ તેમને ઊંઘ પણ ન આવતી હશે. તેથી મારી સલાહ છે કે તમે સારી ઊંઘ માટે ઊંઘની ગોળી અથવા એક એક્સ્ટ્રા પેગ લગાવી લેજો.
પાટિલે બેલાગાવીમાં એક સભાને સંબોધતા કહ્યું કે, મેં કર્ણાટકમાં આઠ અલગ-અલગ વિસ્તારોમાં પ્રભારી તરીકે કામ કર્યું છે. બેલાગવીમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાજપના સમર્થનમાં સામે આવી રહી છે. આ જ કારણથી હું ઈચ્છું છું કે મારા મોટા બહેન (લક્ષ્મી હેબ્બાલકર) ઊંઘની ગોળી અથવા એક એક્સ્ટ્રા પેગ લગાવી લે.
કર્ણાટક કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે સંજય પાટીલે લક્ષ્મી હેબ્બાલકર પર પોતાની ટિપ્પણીના માય સમગ્ર મહિલા સમુદાયને ટાર્ગેટ કરી છે અને તેમનું અપમાન કર્યું છે. કર્ણાટક કોંગ્રેસે નિવેદન આપ્યું કે, જે કોઈ પણ મહિલાઓને નીચી દ્રષ્ટિથી જુએ છે તેનો અર્થ એ કે, તેમનો વિનાશ શરૂ થઈ ગયો છે. ભાજપ અને જેડીએસ પાર્ટીઓનો વિનાશ શરૂ થઈ ગયો છે તેથી તેમનું મહિલા વિરોધી વલણ વધી રહ્યું છે. કૌરવો અને રાવણની જેમ ભાજપ અને જેડીએસનો પણ વિનાશ થશે.