મુંબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચ ૨૦ રને જીતીને આ સિઝનમાં તેની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ ૨૦ ઓવરમાં ૨૦૬ રન બનાવ્યા હતા, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોહિત શર્માની સદી છતાં આ મેચ જીતવામાં સફળ થઈ શકી ન હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ બનેલા યુવા ફાસ્ટ બોલર મતિષા પથિરાનાએ મુંબઈ સામે શાનદાર દેખાવ કરતા ૪ ઓવરમાં માત્ર ૨૮ રન આપીને સૂર્યકુમાર સહિત ૪ વિકેટ ઝડપી. આ આંકડા સાથે પથિરાનાએ સીએસકે તરફથી રમતા એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. પથિરાના આઇપીએલમાં સીએસકે માટે ૪ વિકેટ લેનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે.
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ પહેલા, એક મેચમાં ૪ વિકેટ લેવાનો સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ મહેશ તિક્ષીનાના નામે હતો, જેણે વર્ષ ૨૦૨૨ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ૩૩ રન આપીને ૪ વિકેટ લીધી હતી. જ્યારે તેણે આ કર્યું ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષ અને ૨૫૪ દિવસ હતી. જ્યારે પથિરાનાએ માત્ર ૨૧ વર્ષ અને ૧૧૮ દિવસની ઉંમરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની આ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ યાદીમાં ત્રીજા સ્થાને લુંગી એનગીડીનું નામ છે, જેણે ૨૦૧૮ની આઇપીએલ સિઝનમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં ૨૨ વર્ષ અને ૫૨ દિવસની ઉંમરમાં ૧૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે ચોથા નંબર પર રવિન્દ્ર જાડેજાનું નામ છે, જેણે ૨૦૧૨ની આઇપીએલ સિઝનમાં ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં માત્ર ૧૬ રન આપીને ૨૩ વર્ષ અને ૧૨૩ દિવસની ઉંમરે ૫ વિકેટ લીધી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેની શાનદાર બોલિંગ બદલ મતિશા પથિરાનાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, જે બાદ તેણે કહ્યું હતું કે પાવરપ્લેમાં મારી ટીમની બોલિંગ જોઈને હું થોડો નર્વસ હતો. મેં મારી જાતને સમજાવી અને શાંત રહેવાનો પ્રયત્ન કર્યો જેનાથી મને થોડો આત્મવિશ્ર્વાસ મળ્યો. હું પરિણામ વિશે વધુ વિચારતો નથી, હું માત્ર યોગ્ય જગ્યાએ બોલ ફેંકવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. જો હું આ કરવામાં સફળ થઈશ તો સફળતા આપોઆપ આવી જશે. કેટલીકવાર હું બેટ્સમેનના આધારે મારી યોજનાઓ બદલી નાખું છું. ૨ અઠવાડિયા પહેલા સુધી હું સંપૂર્ણ રીતે ફિટ નહોતો, પરંતુ સપોર્ટ સ્ટાફે મને સંપૂર્ણ સપોર્ટ કર્યો જેના કારણે હું આજે આ ફોર્મમાં બોલિંગ કરી શક્યો છું.