ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થાય તે અગાઉ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સરકારના આઠ મંત્રીઓ ચૂંટણી લડશે નહીં. વિજય રૂપાણી, નીતિન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. સૂત્રોના મતે અન્ય છ મંત્રીઓના પણ પત્તા કપાશે. પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં.
બોટાદ બેઠક પરથી સૌરભ પટેલ, ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પત્તુ કપાશે. વટવા બેઠક પરથી પ્રદીપસિંહ જાડેજાનું પત્તુ કપાવવાનું નક્કી છે.
ઉપરાંત વિભાવરીબેન દવેનું પણ પત્તુ કપાઇ શકે છે. વલ્લભ કાકડિયા, કૌશિક પટેલ, યોગેશ પટેલના પણ પત્તા કપાઇ શકે છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિજય રૂપાણી બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે. નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી.
જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયું છે. ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. ભાવિ મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણમાં જરૂર ન હોવાના પોસ્ટર લાગતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા હોવાની શક્યતા છે. શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.