- કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો
- કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાનું રાજીનામું
- 2 દિવસમાં 3 કોંગી ધારાસભ્યએ આપ્યું રાજીનામું
ચૂંટણી ટાણે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસની નાવ મધદરિયે હાલકડોલક થતી હોય તેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ઝાલોદ બેઠક પર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયાના નામની જાહેરાત થતાંની સાથે જ અસંતોષનો ચરુ ઉકળ્યો છે. જેમાં ઝાલોદ તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો છે. આ નામ અંગે વિચારણા કરવામાં નહિ આવે તો ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો સામુહિક રાજીનામા આપશે તેવી ચીમકી પણ અપાઈ છે.
2 દિવસમાં 3 કોંગી ધારાસભ્યએ આપ્યું રાજીનામું
તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ગઇકાલે આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવતા નેતા મોહન રાઠવા પણ ભાજપના રંગે રંગાયા છે. હવે તાલાળાના કોંગ્રેસના સીટિંગ MLA ભગવાન બારડે પણ કેસરીયો ધારણ કરી લીધો હતો. આવી સ્થિતિ વચ્ચે વચ્ચે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામુ આપી દીધું છે. જેને પગલે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને તેના માઠા પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહી!