જો સરકાર બનશે તો પશ્ચિમ યુપીને અલગ રાજ્ય બનાવવામાં આવશે,માયાવતી

મુઝફરનગર, બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના વિભાજનનું કાર્ડ રમ્યું છે. માયાવતીએ મુઝફરનગરની રેલીમાં કહ્યું કે જો બસપાની સરકાર બનશે તો પશ્ચિમ ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય જાહેર કરવામાં આવશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશને અલગ રાજ્ય બનાવવાની માંગ નવી નથી. ઉત્તર પ્રદેશને ચાર રાજ્યોમાં વિભાજીત કરવાની માંગ સમયાંતરે ઉઠતી રહી છે અને માયાવતીએ ચૂંટણી રેલી દરમિયાન ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે.

આ સાથે માયાવતીએ સહારનપુરની રેલીમાં દાવો કર્યો હતો કે સત્તારૂઢ બીજેપી માટે સત્તામાં પરત આવવું આસાન નહીં હોય કારણ કે તેમના કથન અને કાર્યમાં ફરક છે. સહારનપુરથી પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા માયાવતીએ ભાજપ પર જનતા સાથે ખોટું બોલવાનો અને શક્તિશાળીના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો.

માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવાને બદલે પોતાના દમ પર લોક્સભાની ચૂંટણી લડી રહી છે અને જ્યાં સુધી ટિકિટની વહેંચણીનો સવાલ છે, તેણે સમાજના તમામ વર્ગોને યોગ્ય હિસ્સો આપ્યો છે.

ચૂંટણી કાર્યક્રમ અનુસાર, લોક્સભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના આઠ સંસદીય મતવિસ્તારો – સહારનપુર, કૈરાના, મુઝફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીતમાં ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે. પરિણામ ૪ જૂને આવશે.