મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયાના સમાચાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે હુમલાખોરો બાઇક લઇને આવ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે. આ ઘટના સવારે ૪.૫૫ કલાકે બની હતી. ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે.
લગ્ન બાદ પત્ની અર્પિતા ખાનના ખર્ચા માટે પપ્પા પાસે પૈસા લેતો હતો,આયુષ શર્મા
તમને જણાવી દઈએ કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ ઘણી વખત સલમાન ખાનને મારી નાંખવાની ધમકી આપી ચુક્યો છે. એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, તેના જીવનનો ઉદ્દેશ્ય સલમાન ખાનને મારવાનો હતો. તેણે અભિનેતા-ગાયક ગિપ્પી ગ્રેવાલના કેનેડામાં રહેઠાણ પર પણ હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્ર્નોઈની ધમકી બાદ મુંબઈ પોલીસે સલમાન ખાનની સુરક્ષાની સમીક્ષા કરી હતી.
નોંધનીય છે કે, ‘ટાઈગર ૩’ અભિનેતાને હાલમાં વાય પ્લસ સુરક્ષા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સલમાન ખાનની ઓફિસને પણ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. સલમાનના નજીકના પ્રશાંત ગુંજલકરને રોહિત ગર્ગ તરફથી ધમકીભર્યો મેલ મળ્યો હતો. ઈમેલ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૬ (૨), ૧૨૦ (બી) અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઈમેલમાં લખ્યું હતું કે, ‘તમે લોરેન્સ બિશ્ર્નોઈનો તાજેતરનો ઈન્ટરવ્યૂ જોયો હશે, તે સલમાન ખાનને પણ બતાવો અને તેને કહો કે ઈન્ટરવ્યૂ દરમિયાન ગોલ્ડી બ્રાર તેની સાથે વાત કરવા માંગે છે.’ લોરેન્સે કહ્યું કે, તે ઈચ્છે છે કે સલમાન તેના દેવતા જંબેશ્ર્વરજી મંદિરમાં જઈને કાળા હરણના મામલામાં માફી માંગે. તેણે કહ્યું હતું કે, ‘જો આપણો સમાજ મને માફ કરશે તો હું કંઈ નહીં બોલીશ.’