રાજકોટ,
રાજકોટમાં માત્ર ૧૨ વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરી માતા બનાવનાર મૂળ મયપ્રદેશના લાલા પ્રતાપ ભૂરિયા સામે કેસ ચાલી જતા ખાસ અદાલતે દોષિત ઠેરવી જીવે ત્યાં સુધીની સજાનો હુકમ કર્યો છે. તેમજ ભોગ બનનાર તરુણીને રૂ.૪ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે.
રાજકોટ તાલુકાના લાપાસરી ગામ પાસેના ઇંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારની ૧૨ વર્ષની તરુણીનું આરોપી લાલો લગ્નની લાલચ આપી તા.૨૯-૧૧-૨૦૧૯ના રોજ અપહરણ કરી ગયો હતો. પરિવારજનોએ લાંબો સમય તપાસ કર્યા બાદ ત્રણ મહિના બાદ પુત્રીને લાલો ભગાડી ગયાની ખબર પડતા તા.૧-૨-૨૦૨૦ના આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન એક વર્ષ બાદ લાલો અને તરુણીની ભાળ પોલીસને મળી હતી. જ્યારે ભાળ મળી ત્યારે તરુણી એક સંતાનની માતા બની ગઇ હતી.બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે સ્પે.કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ રજૂ થયા બાદ પોક્સોની ખાસ અદાલતમાં જજ જે.ડી. સુથાર સમક્ષ કેસ શરૂ થયો હતો. અદાલતે ભોગ બનનાર તરુણી, ફરિયાદ નોંધાવનાર, તપાસનીશ અધિકારી અને તબીબની જુબાની લીધી હતી. આરોપી જ્યારે તરુણીને ભગાડી ગયો ત્યારે તેની ઉંમર માત્ર ૧૨ વર્ષ અને ૩ મહિના હતી. તરુણીની ઉંમર નાની હોવાનું જાણવા છતાં આરોપી લાલો તેને ભગાડી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
જેને કારણે તરુણી એક સંતાનની માતા બની ગઇ છે. એટલું જ નહિ ડ્ઢદ્ગછ રિપોર્ટમાં પણ તે સંતાન આરોપી લાલાનું જ હોવાનું પુરવાર થયું છે. ત્યારે આવા ગુનામાં આરોપીને દાખલારૂપ સજા ફટકારવા રજૂઆત કરી હતી. સરકારી વકીલની રજૂઆત અને દસ્તાવેજી પુરાવાઓને યાને રાખી ખાસ અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
નોંધનીય છે કે ૪ માસ પૂર્વે કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સપ્ટેમ્બર ૨૦૨૧માં બનેલા દસ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના ગુનામાં ગોંડલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. પડવલા ગામની જી.આઈ.ડી.સી.ની ઓરડીમાં ભોગ બનનાર બાળકી એકલી હતી ત્યારે સુનીલ જેપાલ અરકબંશી જે જી.આઈ.ડી.સી.માં જ કામ કરતો હોય અને ભોગ બનનાર સગીરા ઘરે કયારેક એકલી હોય તે બાબત સારી રીતે જાણતો હોઈ ગઈ તા.૧૮/૯/૨૧ના રોજ ભોગ બનનાર સગીરા ઓરડીમાં પ્રવેશી તેની એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ સગીરાએ પિતાને સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં તેઓએ આરોપી સુનીલ જેપાલ અરકબંશી વિરુદ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૭૬, (એ)(બી), ૩૭૬(૩), ૫૦૬, ૪૫૦ તથા પોક્સો એકટની કલમ અને ૧૦ મુજબનો ગુનો કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.
આ ગંભીર બનાવ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવેલ કેસ પોક્સો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકાર તરફે કુલ ૧૧ સાક્ષીને તપાસવામાં આવ્યા. મૌખિક પુરાવા અને લેખીત પુરાવાની હકીક્તને તેમજ સરકારી વકીલની ધારદાર દલીલોને લક્ષમાં રાખી હાલમાં જ બદલી થઈ નિયુક્ત એડીશ્ર્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ડી.આર.ભટ્ટ (સ્પેશ્યલ જજ પોક્સો કોર્ટ) એ આરોપી સુનીલ અરકબંશીને આજીવન કેદ મૃત્યુપર્યતની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયા હતા.