૩૩% સ્ત્રી અનામતની વાતો પોકળ! રાજકીય પક્ષોની મહિલાઓને ટિકિટ આપવામાં કંજૂસાઈ

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરુઆત થઇ ચૂકી છે ત્યારે સૌથી મહત્વનો મુદ્દો એ ઉઠે છે કે – મહિલા સશકતિકરણની ગુલબાંગો પોકારતા રાજકીય પક્ષો તરફથી કેટલી ટિકિટો મહિલાઓ માટે ફળવાઇ? ૩૩ ટકા અનામતની વાતો કરતી ભાજપ સરકારે પણ ટિકિટ ફાળવણીમા મહિલાઓ ને કેટલુ મહત્વ આપ્યું? જો ગુજરાતના રાજકીય ઇતિહાસની વાત કરીયે તો 1962માં ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારથી 2019 સુધીમાં 3,562 ઉમેદવારો મેદાનમાં હતા. આમાં માત્ર 160 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. સંસદમાં ગુજરાતમાંથી મહિલાનું પ્રતિનિધિત્વ ઓછા પ્રમાણમાં રહેવાનું કારણ મહિલાઓ રાજકારણથી દૂર રહેવા માંગે છે અથવા રાજકીય પક્ષો દ્વારા પણ મહિલાઓને પૂરતા પ્રમાણમાં ટિકિટ આપવામાં આવતી નથી તે છે દેશમાં 33% મહિલા અનામત ની વાતો કરનાર રાજકીય પક્ષો પણ આ મામલે ઉદાસીન રહ્યા છે.

જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતા ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી મણીબેન તથા સાબરકાંઠા બેઠક પરથી જોહરબેન ચાવડા સાંસદના પદ પર રહ્યા હતા. 1962માં અમરેલીની બેઠક પરથી જયાબેન શાહ અને બનાસકાંઠાની બેઠક પરથી જોહેરા બેન ચાવડા વિજેતા બન્યા હતા.

1977ની ચૂંટણીમાં મહેસાણાની બેઠક પરથી મણીબેન પટેલ એકમાત્ર વિજેતા મહિલા ઉમેદવાર હતા. 1980ની લોકસભા ચૂંટણીમાં એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા, 1984માં કચ્છની બેઠક પર ઉષાબેન ઠકકર  વિજેતા થયા હતા. 1998એ 99 અને 2004 એમ સળંગ ત્રણ ટર્મ સુધી વડોદરાની બેઠક પર જયાબેન ઠકકર સાંસદ રહ્યા હતા.

ગુજરાતમાં 1962માં 2, 1984માં 2, 1991માં1, 1996માં 2, 1998માં 4, 1999માં 3, 2004માં 1, 2009માં 4, 2014માં 4, 2019માં 6 મહિલા સાંસદો ચૂંટાયા હતા. 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપએ કુલ ચાર મહિલાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં જાહેર કરેલા ઉમેદવારોમાં ત્રણ મહિલાઓને ટિકિટ આપી છે, જેમાં હાલના ચિત્ર મુજબ માત્ર બનાસકાંઠામાં એક એવી બેઠક છે જેમાં બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

ગુજરાતની 9 બેઠકો એવી છે કે જ્યાં ક્યારેય મહિલા સાંસદ ચૂંટાયા નથી. જેમાં અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા ,ભરૂચ, વલસાડ અને નવસારીની બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતના અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ મહિલા ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા પણ નથી.