ઈરાને આખરે ઇઝરાયેલ પર હુમલો કરી જ દીધો: ઈરાને ઈઝરાયલ પર ૨૭૦ મિસાઈલ દાગી, આકાશ ધડાકાઓથી ગુંજયું,

  • અમેરિકાના મિલિટરી બેઝ પર પણ હુમલો કરી દીધો છે

આખરે જેનો ડર હતો, એ જ થયું. સીરિયામાં ઈરાની ઠેકાણાઓ પર ઇઝરાયેલના હુમલા બાદ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. દમાસ્કસમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનનો ટોચનો કમાન્ડર મરાયો હતો, જે બાદ તેહરાને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી. હવે ઈરાને ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી દીધા છે. યુએસ અને ઇઝરાયેલના સૈન્ય અધિકારીઓએ ડ્રોન અને મિસાઇલને નિષ્ક્રિય કરવાનો દાવો કર્યો છે. આકાશમાં ડ્રોન અને મિસાઇલો ચમકવા લાગી, જાણે આતશબાજી શરૂ થઈ હોય. ઇરાકમાં અમેરિકાના સૈન્ય મથક પર પણ હુમલાની માહિતી છે. બીજી તરફ ઈરાનના હુમલાથી ઇઝરાયેલને બચાવવા માટે ફ્રાન્સે પણ યુદ્ધ જહાજ મોકલ્યા છે. આગામી સમયમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતાઓ વધી છે.

જાણીતું છે કે ઇઝરાયેલે સીરિયામાં ઈરાનના મથકોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ઈરાનનો ટોપ કમાન્ડર માર્યો ગયો હતો. આ પછી તહેરાને બદલો લેવાની ચેતવણી આપી હતી. ઇઝરાયેલ ત્યારથી જ એલર્ટ થઈ ગયું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ઈરાનને આવું ન કરવાની ચેતવણી આપી હતી. જોકે ઈરાન પર તેની કોઈ અસર થઈ નથી. તેહરાને આખરે ઇઝરાયેલ પર હુમલો કરી જ દીધો. તેલ અવીવના આકાશમાં એક સાથે ડઝનબંધ ડ્રોન અને મિસાઈલો ચમકવા લાગ્યા. ઇઝરાયેલના સંરક્ષણ દળનો દાવો છે કે તેણે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની મદદથી ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ અને ડ્રોનને તોડી પાડ્યા છે.

ઇઝરાયેલના સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી 200થી વધુ મિસાઈલોને ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવી છે. બીજી તરફ ઈરાની હુમલાને બેઅસર કરવા માટે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આગળ આવ્યા છે. અમેરિકા અને બ્રિટનની વાયુસેનાએ ઇઝરાયેલ વતી કામગીરી શરૂ કરી છે. બીજી તરફ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રાન્સે ઈરાની હુમલાથી ઇઝરાયેલને બચાવવા માટે પોતાના યુદ્ધ જહાજને તૈનાત કર્યા છે. આ બધાની વચ્ચે ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રને સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવાની માંગ કરી છે, જેથી ઈરાનના હુમલા સામે નક્કર પગલાં લઈ શકાય.

અહેવાલ અનુસાર ઇરાકમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. એરબિલ એરપોર્ટ નજીક યુએસ લશ્કરી થાણું છે. આ સૈન્ય મથકને નિશાન બનાવીને હુમલો થયો હોવાની માહિતી છે. આ પહેલા શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈરાનને ઇઝરાયેલ પર હુમલો ન કરવાની ચેતવણી આપી હતી. જો કે, આ ચેતવણીઓની ઈરાન પર કોઈ અસર થઈ નથી. બીજી તરફ ઈરાને પણ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે આમાં વચ્ચે ન પડે, નહીં તો તેનું પરિણામ ભોગવવું પડશે.

ઈરાને સીરિયાની રાજધાની દમાસ્ક્સમાં તેના દૂતાવાસ પર ઈઝરાયેલ દ્વારા કરાયેલા હવાઈ હુમલાના જવાબમાં આ પગલું ભર્યું છે. ઈરાની સેનાએ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો છે. ગાઝામાં હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં એક નવું સંકટ ઊભું થયું છે.ઈઝરાયલની સેનાએ કહ્યું કે, ઈરાને ઈઝરાયલ પર તેની સીમા પરથી ડ્રોન છોડ્યા. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ હાઈ એલર્ટ પર છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઇઝરાયલી એરફોર્સ ફાઇટર જેટ્સ અને ઇઝરાયેલી નૌકાદળના જહાજોની સાથે એરિયલ ડિફેન્સ એરેને પણ હાઇ એલર્ટ પર મૂક્યું છે. ઈઝરાયેલની હવાઈ અને નૌકાદળ આ વિસ્તાર પર નજર રાખી રહી છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેલ અવીવમાં યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી છે. બીજી તરફ ઈરાનના આ ડ્રોન હુમલા બાદ ઈરાનના નેતા ખામેનીના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ખમેનીએ કહ્યું છે કે દુષ્ટ શાસનને સજા આપવામાં આવશે. આ તરફ ઈરાની હુમલા પર ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે આઇડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, ઈરાને ઈઝરાયેલ પર ડઝનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી, જેના કારણે લશ્કરી થાણાને નજીવું નુક્સાન થયું હતું. તેમનું કહેવું છે કે મોટાભાગની મિસાઇલોને લાંબા અંતરની એરો એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવી હતી. મોટાભાગની મિસાઇલો ઇઝરાયલી એરસ્પેસની બહાર છોડવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું. હું આ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે હાકલ કરું છું. ન તો પ્રદેશ કે વિશ્વ બીજા યુદ્ધ પરવડી શકે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, તાજેતરના વર્ષોમાં અને ખાસ કરીને છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઈઝરાયેલ ઈરાન દ્વારા સીધા હુમલાની તૈયારી કરી રહ્યું છે. અમારી સંરક્ષણ પ્રણાલી તૈનાત છે. અમે સંરક્ષણ અને હુમલા બંનેમાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ. ઇઝરાયેલ મજબૂત છે.આઇડીએફ મજબૂત છે. પ્રજા મજબૂત છે. અમેરિકી પ્રેસિડેન્ટ જો બિડેને કહ્યું કે, ઈરાન દ્વારા ઈઝરાયલ વિરૂદ્ધ કરવામાં આવેલા હુમલાની નવીનતમ માહિતી માટે મેં હમણાં જ મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મુલાકાત કરી. ઈરાન અને તેના પ્રોક્સીઓના જોખમો સામે ઈઝરાયેલની સુરક્ષા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અડગ છે.

આ તરફ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડોએ ઇઝરાયેલ વિરુદ્ધ ઈરાની હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે અમે ઈઝરાયેલ સાથે ઉભા છીએ. ઑક્ટોબર ૭ના હમાસના ઘાતકી હુમલાને સમર્થન આપ્યા પછી ઈરાની શાસનના હુમલાઓએ પ્રદેશને વધુ અસ્થિર બનાવ્યો છે. અમે આ હુમલાઓથી પોતાનો અને તેના લોકોનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપીએ છીએ. આઈડીએફએ પુષ્ટિ કરી છે કે ઈરાને મિસાઈલ લોન્ચ કરી છે. એમ પણ કહ્યું કે હાલમાં ઈઝરાયેલની વાયુસેનાના ઘણા વિમાન સ્ટેન્ડબાય પર છે, અમે કોઈપણ જોખમનો સામનો કરવા તૈયાર છીએ. ઈઝરાયેલ સરકારના પ્રવક્તાએ કહ્યું કે ઈરાની હુમલા પર ઈઝરાયેલનો જવાબ સ્પષ્ટ અને નિર્ણાયક હશે. એએફપી અનુસાર લેબનોનના ઈરાન સમથત હિઝબુલ્લાએ કહ્યું કે, ઈઝરાયેલના કબજા હેઠળના ગોલાન પર રોકેટ છોડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ યમનના બળવાખોરોએ ઈરાન સાથે સંકલન કરીને ઈઝરાયેલ પર ડ્રોન છોડ્યા છે.

વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સત્તાવાર પ્રવક્તા એડ્રિને વોટસને ટ્વીટ કર્યું કે ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. રાષ્ટ્રપતિ બિડેનને તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ દ્વારા પરિસ્થિતિ અંગે નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે. તેમની ટીમ ઇઝરાયેલી સત્તાવાળાઓ તેમજ અન્ય ભાગીદારો સાથે સતત સંપર્કમાં છે. રાષ્ટ્રપતિ બિડેને સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલની સુરક્ષા માટે અમારું સમર્થન મજબૂત છે. દરમિયાન, જોર્ડન અને લેબનોને તેમની એરસ્પેસને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી છે.ઇરાકના બે પ્રાદેશિક સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇરાકી એરસ્પેસમાં ઇરાનથી ઇઝરાયેલ તરફ ડઝનેક ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જોર્ડનની હવાઈ સુરક્ષા તેની એરસ્પેસનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ઈરાની ડ્રોન અથવા એરક્રાફ્ટ ને અટકાવવા અને તોડી પાડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે સેના પણ હાઈ એલર્ટ પર છે. રડાર સિસ્ટમ ડ્રોનની ગતિવિધિ પર નજર રાખી રહી છે.

આ સાથે જ બ્રિટનના વડાપ્રધાન ૠષિ સુનકની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે હું ઈરાની સરકારના ઈઝરાયેલ વિરુદ્ધ અવિચારી હુમલાની સખત નિંદા કરું છું. ઈરાને ફરી એકવાર બતાવ્યું છે કે તે અરાજક્તા સર્જવા પર તણાયેલું છે. જોર્ડન અને ઇરાક સહિત ઇઝરાયેલ અને અમારા તમામ પ્રાદેશિક ભાગીદારોની સુરક્ષા માટે બ્રિટન ઊભું રહેશે. અમે પરિસ્થિતિને સ્થિર કરવા અને વધુ વધતી જતી અટકાવવા માટે અમારા સહયોગીઓ સાથે તાકીદે કામ કરી રહ્યા છીએ.