શાહિદ આફ્રિદીએ મોહમ્મદ રિઝવાનની ક્લાસ લેતા તેને સૂર્યકુમાર યાદવની બેટિંગથી શીખવાની સલાહ આપી


ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઇને મોટું નિવેદન આપ્યું છે. શાહિદ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગના ભરપેટ વખાણ કરતા પોતાના જ દેશના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની ક્લાસ લઇ લીધી. મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે આઇસીસી ટી ૨૦ ઇન્ટરનેશનલ રેક્ધિંગમાં મોટા ભાગે એક-બીજાથી આગળ નીકળવાની હોડ મચેલી રહે છે. શાહિદ આફ્રિદીએ મોહમ્મદ રિઝવાનની ક્લાસ લેતા તેને સૂર્યકુમાર યાદવની બેટિંગથી શીખવા કહ્યું છે.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર વાતચીત દરમિયાન શાહિદ આફ્રિદીએ સૂર્યકુમાર યાદવની બેટિંગના ભરપેટ વખાણ કર્યા છે. શાહિદ આફ્રિદીનું કહેવું છે કે, સૂર્યકુમાર યાદવ જે પ્રકારના શોટ્સ રમે છે, તેનાથી મોહમ્મદ રિઝવાને શિખામણ લેવી જોઇએ. શાહિદ આફ્રિદીએ કહ્યું કે, સૂર્યકુમાર યાદવ ૨૦૦થી લઇને ૨૫૦ ડોમેસ્ટિક મેચ રમવાના અનુભવ લઇને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઉતર્યો છે. સૂર્યકુમાર યાદવને એટલે પોતાની ગેમ સારી રીતે ખબર છે. સૂર્યકુમાર યાદવ જેટલા શોટ્સ રમે છે, એ દરમિયાન તે બૉલને ખૂબ સારી રીતે હિટ કરે છે.

સૂર્યકુમાર યાદવને પોતાના દરેક શૉટની ખૂબ સારી પ્રેક્ટિસ પણ છે એટલે તમારે પોતાના શોટ્સ રમવાની જરૂરિયાત છે કેમ કે,ટી ૨૦ ફોર્મેટની માગણી છે. આ ટી ૨૦ વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી ૫ મેચોમાં ૨૨૫ રન બનાવી લીધા છે. સૂર્યકુમાર યાદવ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ખૂબ જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ભારતીય ટીમને સૂર્યકુમાર યાદવની શાનદાર બેટિંગના કારણે આ વખત ટી ૨૦ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ માટે નંબર-૪ પર ઉતરતા જ સૂર્યકુમાર યાદવ પોતાની બેટિંગથી તોફાન મચાવવાની શરૂઆત કરી દે છે.

શાહિદ આફ્રિદી અગાઉ વસીમ અકરમે કહ્યું હતું કે, મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ કોઇ બીજા ગ્રહ પરથી આવ્યો છે. તે અન્ય બેટ્સમેનોથી અલગ છે. જેટલા રન તેણે બનાવ્યા છે, તેને બેટિંગ કરતા જોવાની મજા આવે છે. માત્ર ઝીમ્બાબ્વે વિરુદ્ધ જ નહીં, પરંતુ દુનિયાની શાનદાર બોલિંગ એટેક સામે પણ આ પ્રકારે નીડર થઇને રમે છે. તેના પર વકાર યુનિસે કહ્યું કે, જ્યારે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરે છે તો બોલર જાય તો ક્યાં જાય? તેના જેવા બેટ્સમેન વિરુદ્ધ પ્લાન કરવું ખૂબ મુશ્કેલ છે.