બાલાસિનોરમાં ક્ષત્રિય સમાજના ભાજપ વિરૂદ્ધ મતદાનના શપથ રૂપાલાના નિવેદનના વિરોધમાં સભા યોજાઇ

બાલાસિનોર,સમસ્ત ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ચારેકોર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે વિવાદી ટીપ્પણી કર્યા બાદ સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ફૂંકાઈ ચૂક્યો છે. ત્યારે બાલાસિનોરમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજવામાં આવી હતી અને પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી. બાલાસિનોરમાં તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા અંબે માતાના મંદિરે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલાસિનોર તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો પૈકી રાજકીય અને સહકાર ક્ષેત્રે આગેવાની કરતા હોય તેવા અનેક નેતાઓ સહિત ક્ષત્રિય સમાજના અંદાજીત150 થી 200 જેટલા ક્ષત્રિયો એકત્ર થયા હતા. જેમાં રૂપાલાની લોક્સભાની ટિકિટ રદ્દ ન કરવામાં આવે તો ભાજપ વિરૂદ્ધ જઈને મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.