હમાસની કેદમાં રહેલા બંધકોમાં ૪૦નાં મોત, હવે યુદ્ધવિરામ ટલ્લે

ગાઝા, હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈદ વીતી ગયા પછી પણ અમેરિકા, ઈજિપ્ત અને ક્તારની મયસ્થીથી થયેલી યુદ્ધવિરામ મંત્રણામાં કોઈ પરિણામ આવી શક્યું નથી. ત્યારે હમાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હમાસ પાસે ગાઝામાં ૪૦ ઇઝરાયલી બંધકો જીવિત નથી. આ બંધકો થકી ઇઝરાયલ સાથે પ્રસ્તાવિત યુદ્ધવિરામની શરતો મૂકવામાં આવી હતી.

ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મયસ્થીના વાટાઘાટોકારોને આ અંગે જાણ કરવામાં આવી છે. આ દાવાથી એવી આશંકા વધી ગઈ છે કે ધાર્યા કરતાં વધુ બંધકો માર્યા ગયા છે. આ દાવો એવા સમયે કરાયો છે જ્યારે યુદ્ધવિરામ અને સ્થિરતા, ઉત્તર ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની વાપસી અને અન્ય મુદ્દાઓને લઈને મતભેદના કારણે ઈઝરાયેલ સાથે વાતચીત અટકી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય વાટાઘાટોકારોએ શરૂઆતમાં છ સપ્તાહના યુદ્ધવિરામની દરખાસ્ત કરી છે. આ અંતર્ગત હમાસ પહેલાં ઈઝરાયલની જેલમાં બંધ સેંકડો પેલેસ્ટાઈનીઓના બદલામાં ૪૦ બંધકોને મુક્ત કરશે અને અન્ય માગણીઓ કરશે. આ જૂથમાં મહિલાઓ, વૃદ્ધો, બીમાર બંધકો અને પાંચ મહિલા ઇઝરાયલી સૈનિકોનો સમાવેશ થશે.

ઈઝરાયલના અધિકારીઓનું માનવું છે કે ગાઝામાં લગભગ ૧૩૦ ઈઝરાયલી બંધકો છે. ઇઝરાયલી ગુપ્તચર અધિકારીઓએ દાવો કર્યો છે, બંધકોમાંથી ૩૦ માર્યા ગયા છે. નોંધનીય છે કે, ગત વર્ષે ૭ ઓક્ટોબરે ઈઝરાયલ પર આતંકવાદી હુમલા બાદ હમાસે લગભગ ઈઝરાયલના ૨૪૦ લોકોનું અપહરણ કરીને બંધક બનાવી લીધા હતા.

ઇઝરાયલના ડ્રોન હુમલામાં હમાસ નેતા ઇસ્માઇલ હનીયેના ત્રણ પુત્રો માર્યા ગયા છે. હમાસે જણાવ્યું હતું કે હાઝેમ, અમીર અને મોહમ્મદ ગાઝા શહેરના શાતી કેમ્પમાં કાર દ્વારા મુસાફરી કરી રહ્યા હતા ત્યારે બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. હનીયે પોતાના પુત્રોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. હનીયેના એક પૌત્ર અને ત્રણ પૌત્રીઓ પણ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. હનીયે હમાસના રાજકીય નેતા છે.