લંડન, બ્રિટનમાં ૧૨ ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામ લોકો ગાદલા બનાવતી અને કેકની ફેક્ટરીમાં ગેરકાયદેસર કામ કરતા હતા. તેમના પર વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. બ્રિટિશ ઈમિગ્રેશન અધિકારીઓએ ગુરુવારે રાત્રે માહિતી જણાવી હતી.
બ્રિટનના ગૃહ કાર્યાલયના એક નિવેદન અનુસાર, ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અધિકારીઓએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમાં ગાદલા બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓને બાતમી મળી હતી કે અહીં ગેરકાયદેસર રીતે કામ થઈ રહ્યું છે.દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય માઈગ્રન્ટ્સ નાની બોટમાં ઈંગ્લિશ ચેનલ પાર કરીને ગેરકાયદેસર રીતે બ્રિટન આવે છે.
નિવેદન અનુસાર, ૭ ભારતીયોની ગાદલા બનાવતી ફેક્ટરીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, નજીકની કેક ફેક્ટરીમાંથી ૪ લોકો ઝડપાયા હતા. ચારેય પર વિઝા ઉલ્લંઘનના આરોપ છે. આ સિવાય એક ભારતીય મહિલાની પણ ઈમિગ્રેશન ક્રાઈમના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા લોકોને કાર્યવાહી બાદ ભારત પરત મોકલી શકાય છે. જ્યાં સુધી કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ લોકોને કસ્ટડીમાં રાખવામાં આવશે.આ સાથે જ જો આરોપ સાબિત થાય કે સંબંધિત ફેક્ટરીમાં ગેરકાયદેસર કામદારોને રાખવામાં આવ્યા હતા અને રોજગાર આપતા પહેલા જરૂરી તપાસ કરવામાં આવી ન હતી તો બંને ફેક્ટરીઓને દંડ ભરવો પડી શકે છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૨માં ૨૩૩થી વધુ ભારતીય પ્રવાસીઓએ નાની બોટ દ્વારા ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી. જ્યારે ૨૦૨૩માં આ આંકડો એક મહિનામાં ૨૫૦ને પાર કરી ગયો હતો. આ સાથે, ભારતીય જૂથ અફઘાન અને સીરિયન લોકો પછી આવું કરનાર સૌથી મોટું ગ્રુપ બની ગયું છે.
જો કે, નવેમ્બર ૨૦૨૨માં બ્રિટિશ હોમ ઓફિસે ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં પ્રવેશતા લોકોની યાદી બહાર પાડી હતી. આ મુજબ, ૨૦૨૨ના પ્રથમ ૬ મહિનામાં નાની હોડી દ્વારા બ્રિટન પહોંચેલા સૌથી વધુ લોકોમાં અલ્બેનિયા (૫૧%), અફઘાનિસ્તાન (૧૮%) અને ઈરાન (૧૫%) ના નાગરિકોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતીયોનો ઉલ્લેખ નથી. ૬૦૦ કરોડની ડ્રગની દાણચોરી, સાવકા પુત્રની હત્યા: ભારતીય કપલને બ્રિટનમાં ૩૩ વર્ષની જેલ; પોલીસને ૩૧.૬૧ કરોડની રોકડ મળી આવી હતી
ફેબ્રુઆરીમાં બ્રિટિશ કોર્ટે એક ભારતીય દંપતીને ૩૩ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કપલ પર ડ્રગ સ્મગલિંગનો આરોપ હતો. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સી અનુસાર, આરતી ધીર અને કવલજીત સિંહ રાયજાદાએ ઓસ્ટ્રેલિયામાં ૬૦૦ કરોડ રૂપિયાના ૫૧૪ કિલો કોકેઈનની દાણચોરી કરી હતી. બંનેની ૨૦૨૧માં બ્રિટનના હેનવેલ શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ દંપતી પર તેમના ૧૧ વર્ષના સાવકા પુત્રની હત્યાનો પણ આરોપ હતો. આ અંગે ભારત સરકારે બ્રિટિશ સરકારને આ દંપતીના પ્રત્યાર્પણની માંગણી કરી હતી.