અમેરિકામાં બેઠેલી ઈન્સ્ટાગ્રામ ટીમે મધ્યપ્રદેશ આત્મહત્યા કરી રહેલી યુવતીનો બચાવ્યો જીવ


વોશિગ્ટન,
સોશિયલ મીડિયાને કોઈપણ વ્યક્તિ ભલે સારુ-ખરાબ કહેતું હોય પણ ક્યારેક એવી ઘટના બની જાય છે કે તેનાથી કોઈનો જીવ પણ બચી શકે છે. ત્યારે એક આશ્ર્ચર્યજનક ઘટના સામે આવી છે. અમેરિકામાં બેઠેલી ઈન્સ્ટાગ્રામની ટીમે સોશિયલ મીડિયા દ્વારા ભોપાલમાં બેઠેલી એક યુવતીને આત્મહત્યા કરવાથી બચાવી હતી. યુવતીએ ઈન્ટાગ્રામ પર આત્મહત્યાનો પ્રયાસ કરતો વીડિયો શેર કર્યો હતો, જે ઈન્ટાગ્રામની ટીમની નજરમાં આવ્યો અને ટીમે તુરંત મધ્યપ્રદેશની રાજ્ય સાયબર પોલીસને સુચના આપી દીધી. આ સૂચના મળતાં જ સાઈબર પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી યુવતીને આત્મહત્યા કરતા રોકી લીધી હતી.

આ આશ્ર્ચર્યજનક ઘટના મધ્યપ્રદેશના સતના જિલ્લાના મૈહરની છે. અહીં રહેતી યુવતી કોઈ બાબતે પરેશાન હતી. આ યુવતીએ તેના ઈન્ટાગ્રામ આઈડી પર બે અલગ-અલગ આત્મહત્યા કરવાના પ્રયાસના વીડિયો અપલોડ કર્યા હતા. એક વીડિયોમાં યુવતી પોતાના જ હાથની નસ કાપવાનો પ્રયાસ કરતી જોવા મળી છે તો બીજા વીડિયોમાં ઝેરની પડીકી સાથે નજર આવે છે. આ વીડિયો જેવો જ ઈન્ટાગ્રામની ટીમ સામે આવ્યો તો આ ટીમે તુરંત મધ્યપ્રદેશના રાજ્ય સાયબર પોલીસ હેડ ક્વાર્ટરનો સંપર્ક કર્યો. ટીમે યુવતીની ઈન્સ્ટાગ્રામ આઈડી રાજ્ય સાયબર પોલીસને આપી. સાયબર પોલીસે આઈડીને ટ્રેસ કરી અને સતના પોલીસને તુરંત સ્થળ પર મોકલ્યા અને પોલીસે યુવતીની જીંદગી બચાવી લીધી.