- ગુજરાતમાં આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત,
અમદાવાદ, ગુજરાતની ૨૬ લોક્સભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકોની પેટાચુંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ કરવામાં આવતા ઉમેદવારીપત્રકો ભરવાની શરૂઆત થઇ છે.ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મેના રોજ મતદાન યોજાશે.
ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ જોઇએ તો આજથી ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ૧૯ એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. ૨૦ એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને ૨૨ એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ત્રીજા તબક્કા અંતર્ગત ૭ મેના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે. ૨૦૨૪ની ચુંટણીમાં તમામ મતદાન મથકે ઈવીએમ સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે રાજ્યમાં એફએલસી મશીનોની સંખ્યા બીયુ – ૮૭,૦૪૨, સીયુ- ૭૧,૬૮૨ અને વીવીપેટની સંખ્યા ૮૦,૩૦૮ ઉપયોગ કરવામા આવશે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ૧૮૨ બેઠક મુજબ આદર્શ મતદાન મથકો બનાવાશે, આ ઉપરાંત માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત હોય તેવા ૧,૨૭૪ સખી મતદાન મથકો બનાવાશે. રાજ્યમાં ૧૮૨ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે.મતદાન દરમિયાન કોઈપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા કેટલાક મતદાન મથકો ઓળખી કાઢવામાં આવ્યા છે આ મતદાન મથકોમાં પરથી લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે ૨૫,૦૦૦ મતદાન મથકો એવા છે કે જે અતિ સંવેદનશીલ છે જેના પર સીધું દિલ્હીથી મોનિટરિંગ રહેશે, આ માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય કક્ષાના કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તારીખ ૦૫/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી આખરી મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ ૪,૯૪,૪૯,૪૬૯ મતદારો નોંધાયા છે. જે પૈકી ૨,૩૯,૭૮,૨૪૩ મહિલા મતદારો અને, ૨,૫૪,૬૯,૭૨૩ પુરૂષ મતદારો છે. ગુજરાતમાં ૧,૫૦૩ જેટલા થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. ૮૫ વર્ષથી વધુ વયના ૪,૨૪,૧૬૨ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. ગુજરાતમાં ૧૦,૩૨૨ મતદારો શતાયુ એટલે કે ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના છે. કુલ મતદારો પૈકી ૧૮થી ૧૯ વર્ષની વય ધરાવતા ૧૧,૩૨,૮૮૦ યુવા મતદારો આ લોક્સભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે.
તમામ મતદાન મથકોએ યોગ્ય ઢોળાવ ધરાવતાં રેમ્પ,પીવાના પાણીની સુવિધા, પ્રકાશ માટે વીજળીની સુવિધા, મતદારોના માર્ગદર્શન માટે જરૂરી દિશા ચિન્હો અને શૌચાલય જેવી સુવિધાઓ મળી રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવા ગુજરાતમાં દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ ઓછામાં ઓછા ૦૭ મતદાન મથકોની મહિલા સંચાલિત એટલે કે ‘સખી મતદાન મથક’ તરીકે રચના કરવામાં આવશે. ગુજરાતમાં આવા ૧,૨૭૪ સખી મતદાન મથકોમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર વગેરે તરીકે માત્ર મહિલા અધિકારીઓ ફરજ બજાવશે. ગુજરાત વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવવામાં આવશે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તક મળે તેમજ દિવ્યાંગ મતદારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી મતદાન મથકનો તમામ પોલિંગ સ્ટાફ દિવ્યાંગ હોય તેવા દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૧૮૨ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં દરેક જિલ્લા દીઠ એક મતદાન મથક એવું હશે જે મતદાન મથકનો તમામ સ્ટાફ યુવા હોય. રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યના કેટલાક એવા દુર્ગમ સ્થળોએ પણ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે, ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે માત્ર એક મતદાર માટે મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના આલિયાબેટ ટાપુ ખાતે ૨૧૭ મતદારો માટે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મતદારોને મતદાન કરવા બસમાં ૮૨ કિલોમીટર જેટલી મુસાફરી કરવી પડતી હતી.
ગત વિધાનસભા ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી ૮૦ વર્ષની ઉંમરને બદલે ૮૫ વર્ષ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.