ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર તેમની પાર્ટીની લોંગ માર્ચ દરમિયાન થયેલા હુમલા બાદ પાકિસ્તાનમાં રાજકીય ગરમી વધી ગઈ છે. આ દરમિયાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમના જમણા પગમાંથી ત્રણ ગોળીઓ કાઢવામાં આવી છે. આ સિવાય તેના ડાબા પગમાં ગોળીઓના ઘસરકા પણ છે. તેમણે આ હુમલા માટે પાકિસ્તાનના શાહબાઝ શરીફની સરકારને જવાબદાર ઠેરવી છે. ઈમરાન ખાનનું કહેવું છે કે તેમના પર કરાયેલ હુમલો તેમની વિરુદ્ધ પહેલાથી જ બનાવેલા પ્લાન મુજબ થયો હતો. ઈમરાન ખાને આ વાત એક અંગ્રેજી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને એવો પણ ખુલાસો કર્યો છે કે તેમને ગુપ્તચર એજન્સીમાં હાજર તેમના કેટલાક પરિચિતો પાસેથી હુમલા સંબંધિત માહિતી મળી છે. તેમનું કહેવું છે કે તેઓ સાડા ત્રણ વર્ષ સુધી સત્તામાં રહ્યા. તેથી જ તેઓના કેટલાક વિશ્ર્વાસુ ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા છે. ઈમરાન ખાને કહ્યું કે તેમના પર હુમલાનું પ્લાનિંગ બે મહિના પહેલા કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું છે કે જ્યારે તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા ત્યારે જ આયોજન શરૂ થયું હતું. તેમના વિરોધીઓ માનતા હતા કે તેમની પાર્ટીની હાલત બગડશે. પરંતુ બાદમાં તેમને અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને લોકોનું સંપૂર્ણ સમર્થન મળ્યું.
ઈમરાન ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગની “સ્પષ્ટ ભૂમિકા” વ્યાખ્યાયિત કરવા અને તેના ચીફ પર જાહેરમાં તેમની નિંદા કરવાનો અને ખોટા નિવેદનો બનાવવાનો આરોપ કેવી રીતે છે તેની તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. સાથોસાથ આઈએસઆઈ પ્રમુખ કેવી રીતે ‘અતિ રાજકીય પ્રેસ કોન્ફરન્સ’ કરી શકે છે ? રવિવારે રાષ્ટ્રપતિને લખેલા અને સોમવારે મીડિયા દ્વારા પ્રકાશિત કરાયેલા પત્રમાં ખાને કહ્યું કે જ્યારથી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર સત્તાથી વિમુખ થઈ છે ત્યારથી દેશમાં ખોટા આરોપો, ધરપકડ, ઉત્પીડનના આરોપનો સામનો કરી રહ્યો છે.
ઈમરાને અલ્વીને લખેલા પત્રમાં સરકારમાં દુષ્ટ તત્વોના હાથે સત્તાના દુરુપયોગને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાનું પણ કહ્યું છે. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ “વારંવાર તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા” અને તેમને એવી માહિતી મળી હતી કે વડા પ્રધાન શાહબાઝ શરીફ, ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહ અને એક વરિષ્ઠ સૈન્ય અધિકારી દ્વારા, મારી હત્યા કરવાની યોજના ઘડી રહ્યા છે. આ સાથે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની લોંગ માર્ચ, જે ઈમરાન ખાન પરના હુમલાને કારણે ગયા અઠવાડિયે મુલતવી રાખવામાં આવી હતી, તે ગુરુવારે ફરી શરૂ થશે. પાર્ટીના બે નેતાઓએ સોમવારે આ વાત કહી. લાહોરના જમાન પાર્ક ખાતે પાર્ટીના કાર્યર્ક્તાઓ સાથે વાત કરતા ઉપપ્રમુખ શાહ મહેમૂદ કુરેશીએ જાહેરાત કરી કે જ્યાં ખાન પર હુમલો થયો હતો તે જ સ્થળેથી ગુરુવારે લોંગ માર્ચ ફરી શરૂ થશે.