સ્વીપ અંતર્ગત પંચમહાલ જીલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

  • મતદારોને રેલી,ઓડિયો ક્લિપ,ભવાઈ,બેનર,મતદાન સંકલ્પ જેવા કાર્યક્રમો દ્વારા મતદાન કરવા માહિતગાર કરાયા
  • ઓડિયોના માધ્યમ થકી જીલ્લામાં 21 ગાર્બેજ વ્હીકલ દ્વારા ડોર ટુ ડોર જાગૃતિ અભિયાન.

ગોધરા, દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. પંચમહાલ જીલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

પંચમહાલ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં અને ગ્રામ્ય સ્તરે મતદાન જાગૃતિ રેલી, શાળા અને કોલેજોમાં ચૂંટણી પ્રતિજ્ઞાઓ, ઔધોગિક એકમોમાં કામદારો માટે મતદાન જાગૃતિ, ગ્રામ્ય સ્તરે ભવાઈ, ઓડિયો ક્લિપ અને બેનર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આજરોજ મોરવા હડફ તાલુકાના કેનપુર ખાતે ભવાઈ થકી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જીલ્લામાં કુલ 21 ગાર્બેજ વ્હીકલ દ્વારા ડેઇલી વેસ્ટ કલેક્શન કરતી વખતે ડોર ટુ ડોર ઓડિયોના માધ્યમ થકી મતદાન કરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગોધરા ખાતે 10, હાલોલ ખાતે 04,કાલોલ ખાતે 04 તથા શહેરા ખાતે 03 ગાર્બેજ વ્હીકલ દ્વારા મતદાનની અપીલ કરવામાં આવી રહી છે.