- લોકસભા સામાન્ય ચૂંટણી – 2024માં મતદાન વધારવા હેતુ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
- ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં ટાર્ગેટ બેઝડ કામગીરી દ્વારા ખેડા જીલ્લાની મતદાન સરેરાશ વધારવા માર્ગદર્શન આપતા જીલ્લા કલેકટર.
નડિયાદ, જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કલેકટર કચેરી નડિયાદ ખાતે ખેડા જીલ્લામાં મતદાનની ટકાવારી વધારવા હેતુ જીલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કુલ 11 એમઓયુ સાઇન કરવામાં આવ્યા. જેમાં ડીઆરડીએ, ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસ, આઈસીડીએસ વિભાગ, જીલ્લા આરોગ્ય વિભાગ, જીલ્લા સહકારી મંડળીઓ, મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી, જીલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજક્ટ, જીલ્લા માહિતી કચેરી, એમજીવીસીએલ અને જીલ્લા રમત ગમત વિભાગ સહિત કુલ 11 અધિકારીઓ સાથે મતદાન ટકાવારી વધારવા હેતુ ગ્રાઉન્ડ લેવલની પ્રવૃત્તિઓ હાથ ધરવા એમઓયુ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે આ એમઓયુ થકી ખેડા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતી બેઠકો પર મતદાન જાગૃતિ માટે સવિશેષ પ્રયત્નો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે એમઓયુ કરાયેલ જીલ્લા વહીવટી તંત્રના વિભાગો જે તે વિસ્તારોમાં મતદાતાઓ સાથે વિવિધ કામગીરી થકી સીધા જોડાયેલા હોય છે. ત્યારે આ અધિકારીઓ તેમના ચૂંટણીલક્ષી કર્તવ્ય અને સામાજીક ફરજના ભાગરૂપે જીલ્લાની મતદાન સરેરાશ વધારવા માટે કામગીરી કરશે. આ ઉપરાંત જીલ્લા કલેકટરએ કોલેજમાં કેમ્પસ એમ્બેસેડર, આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતી બહેનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની મદદથી જીલ્લામાં મતદાન વધારવા સૂચન કર્યું હતું.
બેઠક અંતર્ગત લોકસભા ચૂંટણી 2019માં રાષ્ટ્રીય મતદાન સરેરાશ 67% કરતા ઓછી મતદાન ટકાવારી ધરાવતા મતવિસ્તારો તથા મહિલા અને પુરૂષ મતદારો વચ્ચે 10%થી વધુ અંતર હોય તેવા મતવિસ્તારો અંગે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિએ જાણકારી આપી હતી. ઉપરાંત લોકસભા ચૂંટણી 2024માં ખેડા જીલ્લામાં મતદાન રાષ્ટ્રીય સરેરાશ જેટલું તથા તેથી પણ વઘારે થાય તે માટે જીલ્લામાં ગ્રામ્યકક્ષાએથી લઈ જીલ્લાકક્ષા સુધી સ્વીપ તથા ટીપ અંતર્ગત યોજવામાં આવેલ મતદાન જાગૃતિ કાર્યક્રમો અંગે સ્વીપ નોડલ રાવલે માહિતી આપી હતી.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર ભરત જોશી, ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી કુસુમ પ્રજાપતિ, તમામ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ચૂંટણી નોડલ અધિકારીઓ, કોલેજના પ્રાચાર્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.