ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ્સ એકટ હેઠળ નોંધાયેલ દુકાનો/સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાનના દિવસે રજા આપવા

દાહોદ,આગામી સમયમાં યોજનાર લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 માં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા જાહેર કરવા અંગે નોડલ અધિકારી માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને સરકારી શ્રમ અધિકારી દાહોદ દ્વારા ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ એકટ હેઠળ નોંધાયેલ દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ/કર્મચારીઓ મત આપી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવાયું છે.

રાજસ્થાન રાજ્યમાં તા. 26-04-2024 ના શુક્રવારના રોજ, મધ્યપ્રદેશ રાજ્યમાં તા.13-05-2024 ના સોમવારના રોજ અને મહારાષ્ટ્ર રાજ્યમાં તા.13-05-2024ના સોમવારના રોજ તથા તા.20-05-2024 ના સોમવારના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી – 2024 માટે મતદાન થનાર છે.

આથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના મતદારો મતદાનના દિવસે મતદાન કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટ્સ એકટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સહકારી બેંકો, રાજ્ય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલ્વે, ટેલિફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ / કચેરીઓને ચુંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ શ્રમયોગીઓને મતદાન માટે ખાસ રજા આપવા જણાવવામાં આવ્યું છે.

જો કોઈ કારખાનેદાર, માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધ વર્તન કરશે તો લોક પ્રતિનિધિત્વ ધારો-1951 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઇ ફરિયાદ હોય તો જીલ્લાના નોડેલ અધિકારી એમ.એમ.હિરાણી, સરકારી શ્રમ અધિકારી -દાહોદ ના ફો નં. (02673)239255, સરકારી શ્રમ અધિકારીની કચેરી,રૂમ નં. 245, બીજો માળ જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદનો સંપર્ક સાધવા જણાવવામાં આવે છે એમ નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને સરકારી શ્રમ અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે.