દાહોદ જીલ્લામાં બે સ્થળેથી 11.70 લાખના ઈંગ્લીશ દારૂ સાથે 4 ઈસમો ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લામાં બે સ્થળોએથી પોલીસે રૂપિયા 11,70,140/- ના પ્રોહી જથ્થા સાથે બે વાહનો સાથે ચાર ઇસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.10મી એપ્રિલના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર રાકેશભાઈ ઉર્ફે મુકેશભાઈ દિનેશભાઈ મેઘવાળ (રહે. ઈન્દીરા નગરી, રીઠીયા, તા. કાલોલ, જી. પંચમહાલ), રોકીભાઈ નવઘણભાઈ માળી (રહે. ગોરવા, ખત્રીનગર રેલ્વે ફાટકના સામે, જસાભાઈના ખેતરના ઝુપડામાં વડોદરા શહેર), નરેશભાઈ ઉર્ફે કાળીયો બદાભાઈ ભુરીયા (રહે. રાજસ્થાન) અને સાગરભાઈ મહેશભાઈ નાયક (રહે. નવીનગર, ઈસ્માઈલભાઈની શોપ નજીક સમા તા. જી. વડોદરા) નાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ફોર વ્હીલર ગાડી તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.838 કિંમત રૂા.1,14,140/-ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.9,23,640/-નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહિબીશનનો બીજો બનાવ દાહોદ તાલુકાની ખંગેલા ચેક પોસ્ટ પર બનવા પામ્યો હતો. જેમાં ગત તારીખ 12મી એપ્રિલના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ખંગેલા ચેક પોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરી રહ્યા હતા. તે સમયે ત્યાંથી એક આઇસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને આઇસર ગાડી નજીક આવતાની સાથે તેને ચારે તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક સચિન રામચંદ્ર પંચાલ (રહે. મધ્યપ્રદેશ) નાની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે આઇસર ગાડી ની તલાસી લેતા તેમાં લોટના પટ્ટા ની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પેટીયો નંગ. 200 જેમાં નાની મોટી કુલ બોટલો નંગ.9,600 જેની કિંમત રૂપિયા 10,56,000/-નો પ્રોહિ જથ્થો કબજે કરી પોલીસે ગાડીની કિંમત તેમજ વિગેરે મુદ્દામાલ મળી કુલ રૂપિયા 18,67,800/-નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબીશનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.