કોરિયા, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લોકો તેના નિર્ણયો અને વિચિત્ર નિવેદનો માટે જાણે છે. કિમ શું અને ક્યારે બોલવા જઈ રહ્યો છે તેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ તેઓ અવારનવાર પોતાની મિસાઈલના પરિક્ષણને લઈને સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ પણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કિમ સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યો છે પરંતુ હવે કિમ જોંગે કંઈક એવું કહ્યું છે જેના કારણે દુનિયાના તમામ દેશોનો તણાવ વધી ગયો છે.
એક રીતે એમ પણ કહી શકીએ લે વિશ્ર્વમાં ત્રીજા વિશ્ર્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ રશિયા અને યુક્રેન તો બીજી તરફ ઈઝરાયલ અને ગાઝા અને હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તરફથી આવી રહેલા નિવેદનથી ત્રીજા વિશ્ર્વયુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે. કિમ જોંગ ઉન સતત પોતાની સૈન્ય શક્તિ વધારવામાં લાગેલા છે અને જો અહેવાલોનું માનીએ તો કિમ જોંગ ઉને તાજેતરમાં જ યુદ્ધ માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે.
વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના પાડોશી દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓના કેન્દ્રમાં દક્ષિણ કોરિયા છે અથવા એમ પણ કહી શકાય કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે પોતાના શસ્ત્રોના શસ્ત્રાગાર માં વધારો કરી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બુધવારે દેશની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું કે દેશભરમાં બધુ બરાબર નથી અને તેનો અર્થ એ છે કે હવે આપણે પહેલા કરતા વધુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. મુખ્ય સૈન્ય યુનિવર્સિટી નું નિરીક્ષણ કરતી વખતે કિમ જોંગ ઉને કહ્યું કે ’તેમના દેશની આસપાસની અસ્થિર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનો અર્થ એ છે કે હવે યુદ્ધનો સમય છે અને તેના માટે તૈયાર રહેવું પડશે.’ એ વાત તો જાણીતી જ છે કે ઉત્તર કોરિયા તેની પરમાણુ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. ઉત્તર કોરિયા ૨૦૦૩માં પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું હતું અને ત્યાર બાદ તેણે ૨૦૦૬થી ૨૦૧૭ વચ્ચે છ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે.