તેલઅવીવ, મોડી રાત્રે ઇઝરાયલના હુમલામાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીયેના ત્રણ પુત્રો માર્યા ગયા હતા. ’ટાઈમ્સ ઓફ ઇઝરાયલ’ના અહેવાલ મુજબ ઇઝરાયલની સેનાએ ગાઝાના અલ-શતી કેમ્પ પાસે એક કાર પર એક સ્ટ્રાઈક કરી હતી. જેમાં ઈસ્માઈલ હનીયેના ત્રણ પુત્રો, ત્રણ પૌત્રીઓ અને એક પૌત્રનું મૃત્યુ થયું હતું. મોતની પુષ્ટિ ખુદ હનીયે કરી છે.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હનીયેના ત્રણ પુત્રો આતંકવાદી હતા. સૈન્યના જણાવ્યા અનુસાર, અમીર હનીયે હમાસની સૈન્ય શાખામાં સ્ક્વોડ કમાન્ડર હતો. જ્યારે, હાઝેમ અને મોહમ્મદ હનીયે લશ્કરી વિંગમાં ઓપરેટિવ હતા. ત્રણેય સેન્ટ્રલ ગાઝા પર હુમલો કરવા જઈ રહ્યા હતા. તેમાંથી એક ઇઝરાયલને બંધક બનાવવામાં પણ સામેલ હતો.
આ તસવીર ઈસ્માઈલ હનીયેના હત્યા કરાયેલા પુત્રોની છે. આમાં સૌથી જમણે હાઝીમ હનીયે છે. આ બંનેમાંથી કોણ આમિર હનીયે છે અને મોહમ્મદ હનીયે કોણ છે તે સ્પષ્ટ નથી. ઇસ્માઇલ હનીયે ક્તારના મીડિયા હાઉસ અલ જઝીરાને તેમના ત્રણ પુત્રોના મૃત્યુની પુષ્ટિ કરી. કહ્યું, તેમની શહીદીનું સન્માન આપવા બદલ ભગવાનનો આભાર. તેમજ, અલ જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યુમાં હાનીએ કહ્યું કે હમાસ આત્મસમર્પણ કરશે નહીં અને હુમલા ચાલુ રાખશે.હનીયે કહ્યું, તેમનું (ઇઝરાયલીઓનું) લોહી જેરુસલેમ અને અલ-અક્સાની આઝાદી માટે વહાવીશું. અમે ખચકાટ વિના આ માર્ગ પર આગળ વધીશું. તેમના લોહીથી અમે અમારા લોકો અને અમારા હેતુ માટે આશા, ભવિષ્ય અને સ્વતંત્રતા લાવીશું. અમારી માંગણીઓ સ્પષ્ટ છે.
જો દુશ્મન એવું વિચારે છે કે મંત્રણાથી થોડો બદલાવ આવી શકે છે તો તે તેમની ગેરસમજ છે. જો તેઓ વિચારે છે કે મારા પુત્રોને નિશાન બનાવવાથી હમાસને તેની સ્થિતિ બદલવા માટે દબાણ કરી શકાય છે તો તેઓ ખોટા છે. મારા પુત્રોનું લોહી આપણા લોકોના લોહી કરતાં વધુ વહાલું નથી. હનીયે અલ જઝીરાને જણાવ્યું કે તેના ૧૩ બાળકો છે. ૭ ઓક્ટોબરથી શરૂ થયેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં તેણે પરિવારના ૬૦ સભ્યો ગુમાવ્યા છે. હનીયે કહ્યું કે તેણે પણ તે જ પીડા સહન કરી છે જે અન્ય પેલેસ્ટિનિયનોનો સામનો કરવો પડી રહ્યો છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલની સેનાએ એ કાર પર હુમલો કર્યો જેમાં ત્રણ લોકો ઈદની શુભેચ્છા આપવા તેમના પરિવારના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને હાનીયેના પુત્રોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.એર્દોગને હનીયેને ફોન કરીને કહ્યું, માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ઇઝરાયલને ચોક્કસપણે કાયદા સમક્ષ જવાબદાર ઠેરવવામાં આવશે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
હિબ્રુ મીડિયાના અહેવાલો અનુસાર, હાનીયેના ત્રણ પુત્રો પરના હુમલાને ઇઝરાયલની સેનાના દક્ષિણી કમાન્ડના કર્નલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઇઝરાયલના એક અધિકારીએ ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલને જણાવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટને હુમલા અંગે અગાઉથી જાણ કરવામાં આવી નહોતી.
૨૦૧૩માં હાનીયેને હમાસના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ચાર વર્ષ પછી ૨૦૧૭માં હમાસના નિર્ણયો લેતી ’શુરા કાઉન્સિલ’ એ તેમને હમાસના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારથી હાનીયે હમાસના ચીફ છે.