અમદાવાદ, ગુજરાતમાં ઉનાળો દિવસે દિવસે આકરો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે તાપમાન ૪૦ ડિગ્રીને પાર ગયુ છે. તાપમાનમાં વધારો થવાની સાથે ગુજરાતમાં રોગચાળો પણ વકરી રહ્યો છે.કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીના પગલે છેલ્લા ૯ દિવસમાં ૧૫૦૦થી વધુ લોકો બેભાન થયા હોવાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ પેટમાં દુ:ખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવાના કેસ વધ્યા છે. ગરમીની બીમારીને કારણે ૧૦૮ ઈમરજન્સી સવસને ૭ હજારથી વધુ કોલ મળ્યાં હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાતમાં ગઇકાલે અનેક શહેરમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ ૪૧.૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાંચ શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.