સુરત,જિલ્લામાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં વધારો આવી રહ્યો છે. આ સાથે દુષ્કર્મની ઘટનાઓ પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જણાવી દઈએ કે, આ દુષ્કર્મની ફરિયાદ સુરતના અઠવા પોલીસ મથકે નોંધાઈ છે. સુરતની અઠવા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ, સુરત-વાંસદા વચ્ચે દોડતી એસટી બસના ચાલકે બસમાં અપડાઉન કરતી યુવતી જોડે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હતો.
છેલ્લા દોઢ વર્ષ સુધી અલગ અલગ સ્થળો પર લઈ જઈ દુષ્કર્મ ગુજારી તરછોડી દેવાતા શારીરિક શોષણનો ભોગ બનેલી યુવતીએ સુરતના અથવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે અઠવા પોલીસ ગુનો નોધી એસટી બસના ચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સુરત -વાંસદા રૂટ ઉપર દોડતી એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયા વિરુદ્ધ વઘઇની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી છે. યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે મૂળ વઘઇની રહેવાસી છે અને સુરતના સગરામપુરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. વઘઇથી દરરોજ સુરત વાંસદા રૂટ પર દોડતી એસટી બસમાં અપડાઉન કરે છે. આ દરમિયાન બસ ચાલક મહેન્દ્ર ભોયા જોડે તેણીનો સંપર્ક થયો હતો. દરરોજ અપડાઉન કરતી વખતે મહેન્દ્ર ભોયા જોડે વાતચીત થતી હતી. જે વાતચીત બાદમાં પ્રેમમાં પરિણમી હતી.
યુવતી અને બસ ચાલક છેલ્લા દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો. એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયાએ યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર ગેસ્ટ હાઉસ સહિતના સ્થળો પર લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય થવા છતાં તેણી જોડે કરેલા વાયદા મુજબ લગ્ન કર્યા નહીં. જ્યારે છોકરી દ્વારા લગ્નની વાત કરવામાં આવે ત્યારે આરોપી કોઈકને કોઈક બહાનાં કાઢી સમય પસાર કરતો હતો.
મહેન્દ્ર ભોયાની માનસિક્તા વિશે યુવતીને જાણ થઈ ગઈ હતી કે, તે લગ્ન કરવાનો નથી અને માત્ર તેણીનું શારીરિક શોષણ કરી રહ્યો છે. અંતે યુવતીએ એસટી બસના ચાલક મહેન્દ્ર ભોયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા અંગેનો નિર્ણય કર્યો હતો. જેથી અઠવા પોલીસ મથકમાં યુવતીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી મહેન્દ્ર ભોયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, આરોપી મહેન્દ્ર ભોયા સુરત એસટી બસનો ચાલક છે.