રાજકોટ,
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સત્તા મેળવવા રાજકીય પક્ષોએ ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની ૧૧મી યાદી જાહેર કરી છે. ત્યારે ભાજપના ઉમેદવારો માટે આજે દિલ્હીમાં મંથન થવાનું છે, જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી દોડી ગયા છે. એ ઉપરાંત આજે પાટીદાર સંસ્થાઓના દિગ્ગજોની મીટિંગ પણ યોજાવાની છે. અરવિંદ કેજરીવાલ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં રોડ શો કરશે. પી. ચિદમ્બરમે અમદાવાદમાં કહ્યું હતું કે મોરબી દુર્ઘટના અંગે સરકારે માફી માગી નથી, હું આશા રાખું છું કે હાઈકોર્ટ મુદ્દા ઉઠાવે. બીજી તરફ રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ વધી છે. વજુભાઈ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકીટ માંગી છે અને છેક પાર્લામેન્ટરી બોર્ડ સુધી રજુઆત કરવા પહોંચ્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ સમીકરણો બદલાઈ ગયાં છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પહેલાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં અને હવે તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટીકિટની તેઓ માંગ કરી રહ્યાં છે. આ માટે તેઓ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચ્યાં છે. બીજી તરફ વિજય રૂપાણીએ યુ ટર્ન મારતાં તેમના બદલે નીતિન ભારદ્વાજને ટીકિટ મળે તેવી રજુઆત કરી છે. તે ઉપરાંત આ બેઠક પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પર ટીકિટની માંગ કરી રહ્યાં છે. નેતાઓનું ભારે લોબિંગ શરૂ થયું છે. રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દશતા શાહ,કશ્યપ શુક્લ,એડવોકેટ અનિલ દેસાઇએ પણ આ બેઠક પર દાવેદારી કરી છે.