અમદાવાદ, ગુજરાતના ૨૬ ભાજપી સાંસદોને કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કારણે રૂ.૨૨૨ કરોડની જંગી ગ્રાન્ટનું નુક્સાન ગયું છે. જો આ પેન્ડિંગ ગ્રાન્ટ રાજ્યના સાંસદોને મળી હોત તો એમના વિસ્તારના લોકોને આટલી રકમના વિકાસકાર્યોનો લાભ મળી શક્યો હોત.
રાજ્યના સાંસદોને પ્રતિવર્ષ રૂ. ૫ કરોડની ગ્રાન્ટ તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. વર્ષ મે-૨૦૧૯થી મે-૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં પ્રત્યેક સાંસદને રૂ. ૨૫ કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થાય. પરંતુ ૨૦૨૦-૨૧ના વર્ષમાં કોરોનાને કારણે કોઈ ગ્રાન્ટ અપાઈ નહીં અને ૨૦૨૧-૨૨માં કોરોનાને લીધે રૂ.૫ કરોડને બદલે રૂ. ૨ કરોડની ગ્રાન્ટ અપાઈ. આને કારણે રાજ્યના પ્રત્યેક સાંસદને છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૧૭ કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થઈ. પરંતુ ૨૦૨૩-૨૪માં કેન્દ્ર સરકારે કાણી પૈઈ પણ ગ્રાન્ટ તરીકે ફાળવી નથી, એટલે સાંસદોને છેલ્લા વર્ષની ગ્રાન્ટનું નુક્સાન થયું. પરિણામે પ્રત્યેક સાંસદને રૂ.૧૨ કરોડની ગ્રાન્ટ મળવા માટે ઉપલબ્ધ હતી. આમાં પણ કેન્દ્ર સરકારે ૧૮ સાંસદોને ૨૦૨૨-૨૩ની ગ્રાન્ટના હપતા ચૂકવ્યા નથી. કેન્દ્ર સરકાર સાંસદોને ઓછી ગ્રાન્ટ ફાળવવા બદલ દોષનો ટોપલો ગુજરાત સરકાર ઉપર ઢોળી રહી છે. ગુજરાત સરકારે ગ્રાન્ટની રકમનો પ્રોગ્રેસ રિપોર્ટ તથા ગ્રાન્ટના ઉપયોગનું સર્ટિફિકેટ કેન્દ્ર સરકારને નહીં મોકલતા ગ્રાન્ટ રિલીઝ થઈ નથી. ટૂંકમાં પ્રત્યેક સાંસદોને રૂ.૧૭ કરોડ લેખે મળવાપાત્ર ગ્રાન્ટ કુલ રૂ.૪૪૨ કરોડ હતી, પરંતુ રૂ. ૨૨૦ કરોડ જ કેન્દ્ર સરકારે રિલીઝ કર્યાં, એટલે સાંસદોને અને એમના થકી રાજ્યની પ્રજાને રૂ.૨૨૦ કરોડની સમયસર ગ્રાન્ટનું નુક્સાન ભોગવવાનો વારો આવ્યો છે. એસોસિયેશ ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડીઆરના ગુજરાત એકમના વિશ્લેષણ પ્રમાણે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ સહિત ૧૬ સાંસદોને પ્રત્યેકને રૂ. ૯.૫ કરોડની ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં મળી છે. જ્યારે ૯ સાંસદોને પ્રત્યેકને રૂ.૭ કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે તથા એકમાત્ર સાંસદ મોહન કુંડારિયાને કેવળ રૂ.૫ કરોડની ગ્રાન્ટ મળી છે