અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. જેમાં ૫ શહેરમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર થયુ છે. તેમાં રાજકોટમાં સૌથી વધુ ૪૧.૭ ડિગ્રી તાપમાન છે. કચ્છમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી, ભુજમાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૧.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે.
કંડલામાં ૪૦ ડિગ્રી, ડીસામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન સાથે વડોદરામાં ૩૯.૬, કેશોદમાં ૩૯ ડિગ્રી તાપમાન છે. તેમજ મહુવામાં ૩૮.૬,ભાવનગરમાં ૩૭.૫ ડિગ્રી તાપમાન છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીની અસરના કારણે છેલ્લા નવ દિવસમાં ૧,૫૪૯ લોકો ચક્કર ખાઈને બેભાન થયા છે, આવા દર્દીને સારવાર માટે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે મોકલવામાં આવ્યા છે. પેટમાં દુ:ખાવો, ઝાડા ઉલટી, બેભાન કે અર્ધબેભાન થવું, માથાનો દુ:ખાવો સહિતની વિવિધ ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં છેલ્લા નવ દિવસમાં ૭,૩૪૨ કોલ્સ ૧૦૮ ઈમરજન્સી સવસને મળ્યા છે. પહેલી માર્ચથી ૯મી માર્ચ સુધીમાં ગરમીને લગતી બીમારીના ગુજરાતમાં ૩૨,૯૮૪ કોલ્સ આવ્યા છે, જેમાંથી ૭,૦૩૪ કોલ્સ બેભાન થવાના છે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતાં ઝાડા ઉલટીને લગતા કેસમાં ૩૨ ટકા અને માથાના દુખાવાની તકલીફમાં એકંદરે ૨૭ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. ગત વર્ષના પહેલીથી નવમી એપ્રિલ સુધીના સમય ગાળાની સરખામણીએ એકંદરે વિવિધ બીમારીના ૧૦ ટકા જેટલા કેસ વધ્યા છે. પેટમાં દુખાવાને લગતા નવ દિવસમાં ૨૫૮૬ કોલ્સ આવ્યા છે, જે ગત વર્ષ ૨૦૨૩માં આ જ સમય ગાળામાં ૨૨૬૪ કોલ્સ આવ્યા હતા. ગરમીના કારણે બેભાન થવાના કે પડી જવાના ૧૫૪૯ કેસ છે, માથાના દુખાવાની ફરિયાદના ૧૫૮ કોલ્સ આવ્યા છે જ્યારે હિટ સ્ટ્રોકના ૩ કિસ્સામાં જે તે વ્યક્તિને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૯ દિવસમાં હાઈ ફિવરના ૧,૨૬૨ કેસ આવ્યા છે. ઝાડા ઉલટીના ૧૭૮૪ કોલ્સ મળ્યા છે, ગત વર્ષે આ જ સમય ગાળામાં ૧૩૪૮ કોલ્સ આવ્યા હતા.