સુરત,
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસી સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પથ્થર ફેંકવાનો મામલો સામે આવ્યો છે. એઆઇએમઆઇએમ નેતા વારિસ પઠાણે દાવો કર્યો છે કે ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અસદુદ્દીન ઓવૈસી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે એવો દાવો કર્યો છે કે આ હુમલો ઓવૈસીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
વારિસ પઠાણે આ મામલે ટ્વીટ કર્યું હતું કે “સાંજે જ્યારે અમે અસદુદ્દીન ઓવૈસી સાહેબ, સાબીર કાબલીવાલા સાહેબ અને એઆઇએમઆઇએમની ટીમ અમદાવાદથી સુરત જતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો અને કાચ તોડી નાખ્યા.” કહેવામાં આવી રહ્યું છે કે જે ટ્રેનમાં ઓવૈસી સવાર હતા તે જ કોચમાં પથ્થર વાગ્યો હતો. વારિસ પઠાણે પોતાના ટ્વીટમાં ઓવૈસીની આ મુલાકાત સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં ટ્રેનની વિન્ડશિલ્ડ તૂટેલી જોવા મળી રહી છે.
આ પહેલા ઓવૈસીના પક્ષને ભાજપની બી ટીમ કહેવા બદલ કોંગ્રેસ પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું હતું કે જે લોકો અમને ભાજપની બી ટીમ કહે છે તેમને હું ખુલ્લો પડકાર ફેંકું છું કે તેઓ ટીવી૯ પર આવીને મારી સાથે ચર્ચામાં સામેલ થાય. તેઓ મારી સામે ૬ મિનિટ પણ ટકી નહી શકે.
ઓવૈસીએ કહ્યું, દિગ્વિજય સિંહ મારા કોઈ કાકા નથી થતા, અમે એમના જેવા કાકા નહી, એમના જેવાને મામુ બનાવીએ છીએ. તેમણે એમ પણ કહ્યું, હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે જો આવા લોકો રાહુલ ગાંધીની આસપાસ જ રહે તો વિપક્ષને કંઈ કરવાની જરૂર નહીં રહે.
તેમણે કહ્યું કે પ્રામાણિકપણે આ લોકો નથી વિચારતા કે કોંગ્રેસ કેમ સતત હારી રહી છે. કોંગ્રેસ નેતૃત્વ એટલે કે રાહુલ પાસે તાકાત નથી, એટલે જ મોદી બે વખત ચૂંટણી જીત્યા. કારણ કે, જો રાહુલ ગાંધી આવા લોકોથી ઘેરાતા રહેશે તો માનો, કોંગ્રેસની એ જ હાલત રહેશે, જે આજે છે.