જો પાકિસ્તાન આતંકવાદને ખતમ ન કરી શકે તો અમે મદદ કરવા તૈયાર’ રાજનાથ સિંહ

નવીદિલ્હી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આ દિવસોમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન ચીન અને પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રક્ષા મંત્રીએ પાકિસ્તાનને આતંકવાદનો ખાતમો કરવા માટે મદદની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને નિયંત્રિત કરવામાં અસમર્થ લાગે છે તો ભારત આતંકવાદને રોકવા માટે તેને સહયોગ કરવા તૈયાર છે.

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાન પાસેથી મારી એ જ અપેક્ષા છે કે જો તે આતંકવાદનો સહારો લઈને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. પાકિસ્તાને આતંકવાદ પર કાબૂ મેળવે. જો પાકિસ્તાનને લાગે છે કે તે આતંકવાદને કાબૂમાં રાખવામાં અસમર્થ છે તો પાડોશી દેશ ભારત પાસેથી સહયોગ માંગી શકે છે. ભારત આતંકવાદને રોકવા માટે તેમને સહકાર આપવા તૈયાર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ૧૯૭૫માં લાદવામાં આવેલી ઇમરજન્સી અને કોંગ્રેસ પાર્ટી વિશે વાત કરતા ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, ’જે લોકોએ તાનાશાહીની કટોકટી લાદી હતી તેઓ હવે અમારા પર તાનાશાહ હોવાનો આરોપ લગાવે છે… મારી માતાને બ્રેઈન હેમરેજ થયું હતું અને કોંગ્રેસ સરકારે મને પેરોલ આપી ન હતી. હું મારી માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો ન હતો… મારી માતા ૨૭ દિવસ સુધી હોસ્પિટલમાં રહી અને મને જેલમાં રાખવામાં આવ્યો અને મને મારી માતાને અંતિમ ક્ષણોમાં જોવાની પણ મંજૂરી ન આપવામાં આવી.’

શું ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે? તેના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે પીએમ મોદીની સરકાર દરમિયાન કોઈ એક ઈંચ પણ જમીન પર કબજો કરી શક્તું નથી. અમે ક્યારેય આપણી જમીન જવા દઈશું નહીં. પીઓકેનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું, પીઓકે આપણું હતું, છે અને રહેશે.’

બે દિવસ પહેલા જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. રક્ષા મંત્રીએ કહ્યું કે જો ભારત પણ આવા જ પ્રયાસો કરે તો શું તેનો અર્થ એ થશે કે ચીનના તે વિસ્તારો ’આપણા પ્રદેશનો ભાગ’ બની ગયા છે. મંગળવારે અરુણાચલ પ્રદેશના નામસાઈ વિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ઉત્તરપૂર્વીય રાજ્યમાં ૩૦ સ્થળોના નામ બદલવાના ચીનના પગલાથી જમીની વાસ્તવિક્તા નહીં બદલાય.