લીમખેડાના ભૂતખેડી ગામે પૈસાની લેવડદેવડમાં થયેલ ઝગડામાં એક વ્યકિતને ઈજાઓ

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાન ભુતખેડી ગામે પૈસાની લેવડ મામલે થયેલ ઝઘડા તકરારમાં મહિલા સહિત ચાર ઈસમોએ એકને માથાના ભાગે બોઠું ધારીયું મારી લોહીલુહાણ કરી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

લીમખેડા તાલુકાના ભુતખેડી ગામે વાદી ફળિયામાં રહેતાં હીંમતભાઈ ભટલાભાઈ વાદી, શૈલેષભાઈ હીંમતભાઈ વાદી, ભટલાભાઈ બાદરભાઈ વાદી તેમજ રમીલાબેન હીંમતભાઈ વાદીનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ગામમાં રહેતાં છગનભાઈ ભટલાભાઈ વાદીના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેલા લાગેલ કે, તારે રૂપિયા જોયએ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ચાર પૈકી એકે પોતાના હાથમાનું બોઠું ધારીયું છગનભાઈના માથાના ભાગે મારી લોહીલુહાણ કરી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી છગનભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે ઈજાગ્રસ્ત છગનભાઈ ભટલાભાઈ વાદીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.