મલેકપુર,મહીસાગર જીલ્લાના લુણાવાડા નગરમાં વસતા સિંધી સમાજ દ્વારા ઉત્સાહભેર ઇષ્ટદેવ ઝુલેલાલની જન્મજયંતી ચેટચંદ તથા નુતનવર્ષ તરીકે ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે આ વર્ષે યોગાનુયોગ 10 એપ્રિલ સિંધી ભાષા દિવસ પણ આ જ દિવસે આવતો હોવાથી સમાજના લોકોમાં ભાષા ગૌરવ સાથે ઉત્સાહમાં વધારો થયો હતો.
આ પ્રસંગે સિંધી સમાજે સિંધી ભાષાને સંવિધાનમાં માન્યતા અપાવવા માટે મહીસાગર જીલ્લાના લુણાવાડા ઘાંટી વિસ્તારના વતની તત્કાલીન જનસંઘ સાંસદ સ્વ. બેરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીના સક્રિય પ્રયાસોને યાદ કર્યા હતા. તેમણે 16 વર્ષ સંઘર્ષ કરીને સિંધીભાષાને રાજભાષા તરીકે સ્થાન અપાવ્યું હતું. ચેટીચંદના તહેવાર ઉજવણી માટે મોટી સંખ્યામાં એકત્ર થયેલા સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા ઘાંટી મંદિર ખાતે ઇષ્ટદેવ ઝુલેલાલની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ઝુલેલાલ યુવક મંડળ,મહિલા મંડળ અને નાનકભાઈ મંગલાણી, બાબુભાઈ વરીન્દાની, મોહનભાઈ મંગલાણી, પપ્પુભાઈ રૂપચંદાણી, હરીશ ચાંગલાણી, અનીલ ચાંગલાણી, કમલેશભાઈ બસરાની, જયંતીભાઈ મંગલાણી સહીત સમાજના અગ્રણી વડીલોની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી તેમજ ઘાંટીમાં આવેલા સ્વ. ઉમાશંકર બેરિસ્ટર માર્ગથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જે નગરના વિવિધ માર્ગો પર ફરી હતી. જેમાં સિંધી ભાઈ-બહેનોએ આયો લાલ ઝૂલેલાલ ઝૂલેલાલ બેડાપારના નારા સાથે ધજાપતાકાઓ સાથે આનંદથી જોડાયા હતા. શોભાયાત્રા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહા પ્રસાદીના આયોજન સાથે ઉત્સાહભેર ચેટીચંદ તહેવાર ઉજવણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, લુણાવાડા નગરમાં છેલ્લા છપ્પન વર્ષથી ચેટીચંદની ઉજવણી ભક્તિભાવથી વિવિધ કાર્યક્રમો સાથે કરવામાં આવે છે.