પંચમહાલના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા,

પંચમહાલ, લોક્સભાની ચૂંટણી ૨૦૨૪ને લઈ રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ક્યાંક વિરોધ તો કયાંક પ્રચાર રેલીઓ તો વળી કયાંક પક્ષ પલટાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપે ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે તો બીજી તરફ કોંગ્રેસની ચાર બેઠકો પર ઉમેદવારોને લઈ કોકડું હજુ સુધી ગુચવાયેલું છે. જો કે, આ બધી રાજકીય ચહલ-પહલ વચ્ચે પંચમહાલમાં કેટલાક રાજકીય અને સહકારી આગેવાનો ભાજપ જોડાયા છે.

પંચમહાલ બેઠકના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકીએ આજે કેસરિયા કર્યા છે. જેઓએ આજે ફરી ભાજપ ઘરવાપસી કરી છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ બે વખત સાંસદ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્રસિંહને વર્ષ ૨૦૧૯માં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

પંચમહાલ બેઠક ૨૦૦૮ના નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવી. બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ આ બેઠક ઉપર ભાજપનું શાસન છે. ભાજપે રતનસિંહ રાઠોડને ફરી રિપીટ ન કરતા રાજપાલસિંહ જાધવને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા છે. ઉમેદવારો જાહેર થયા બાદ પ્રચાર-પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્તરે ઉમેદવારો સામે અસંતોષની વાત પણ વહેતી થઈ છે. ભાજપ કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો અને નરેન્દ્ર મોદીના ચહેરાને આગળ ધરીને લડે છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે કે તેની વ્યક્તિગત છાપ જ જનતાની નજરમાં પૂરતી છે.. બંને ઉમેદવારો બે દાયકાથી વધુની રાજકીય કારકિર્દીનો અનુભવ ધરાવે છે

પંચમહાલ બેઠકના ઉમેદવારો કોણ કોણ છે રાજપાલસિંહ જાદવ? વર્ષ ૨૦૦૦થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. ૨૦૨૧માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં.

લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા.