નવસારીના સમરોલી ગામે માત્ર બે કલાકના અંતરાલમાં જ મામા-ભાણીનું મોત

નવસારી, નવસારીના ચીખલીથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ચીખલી નજીકના સમરોલી ગામે મામા-ભાણીનું બે કલાકના અંતરમાં જ મોત થયું છે. પ્રાથમિક વિગતો મુજબ મામાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું તો ભાણીનું ઘરમાં રમતા-રમતા કાપડની પટ્ટીથી ગળે ટૂંપો આવી જતાં મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકોના પરિજનો સહિત ગામમાં શોકની માહોલ છવાઈ ગયો છે.

ઘટના નવસારીના ચીખલી નજીક સમરોલી ગામે બની છે. સમરોલી ગામે મામા-ભાણીનું ગણતરીના કલાકોમાં જ મોત થયું છે. જેમાં મામા યોગેશ કુકણાનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તળાવમાં ન્હાવા પડેલા યોગેશ કુકણાનું મોત નિપજ્યુ હતું. જોકે આ સમાચારના ગણતરીના કલાકો ઘરે ૯ વર્ષની બાળકીને કાપડની પટ્ટી ગળામાં ફસાઇ જતા ગળે ફાંસો આવી જતા મોત નિપજ્યુ હતું. આ તરફ એક જ પરિવારમાં બે મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.

આ તરફ આજે સવારે ધોરાજી નજીક બ્રિજની પાળી તોડી કાર નીચે ખાબક્તા ચાર વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ ભાદર-૨ નદીના પુલ ઉપર પસાર થઈ રહેલ કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હોવાનું પ્રાથમિક વિગત સામે આવી છે. આ તરફ કાર બ્રિજની પાળી તોડી નીચે નદીમાં ખાબકી હતી. આ દર્દનાક ઘટનામાં એક પુરુષ અને ત્રણ મહિલાનું મોત થયું છે. આ તરફ સમગ્ર ઘટનાને લઈ પોલીસ અને ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.