શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવ્યો હતો.આ દરમિયાન રાજ્યભરની મસ્જિદોમાં નમાઝદારોએ ઈદની નમાજ અદા કરી હતી. બુધવારે ઈદની ઉજવણી કરવાનો નિર્ણય ગ્રાન્ડ મુતી નાસિર-ઉલ-ઈસ્લામે પુષ્ટિ કર્યા બાદ લેવામાં આવ્યો હતો કે મંગળવારે રાજ્યના વિવિધ ભાગોમાં શવ્વાલ મહિનાનો ચાંદ દેખાયો હતો. જો કે દેશના અન્ય ભાગોમાં ગુરુવારે ઈદની ઉજવણી થવાની છે.
ગ્રાન્ડ મુતીએ કહ્યું, તેમના નેતૃત્વ હેઠળની સલાહકાર સમિતિએ આ નિર્ણય લીધો છે. આ સમિતિમાં મીરવાઈઝ ઉમર ફારૂક, મૌલાના રહેમતુલ્લા કાસમી, મૌલાના અબ્દુલ લતીફ અલકાન્દી, ગુલામ રસૂલ હામી અને જમ્મુ અને ચિનાબ ઘાટીના ઉલેમાનો સમાવેશ થાય છે. લોકોને ઈદની શુભકામનાઓ પાઠવતા તેમણે કહ્યું કે, આ તહેવાર આપણા બધા માટે ઘણી બધી ખુશીઓ, આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક, ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ હઝરતબલ દરગાહમાં ઈદની નમાજ અદા કરી હતી. નમ્ઝામાં મીડિયા સાથે વાત કરતા ફારુક અબ્દુલ્લાએ લોકોને ઈદની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે સમગ્ર વિશ્ર્વમાં મુસ્લિમો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પેલેસ્ટાઈનમાં થઈ રહેલી હત્યાઓ પર ઈસ્લામિક સરકારો મૌન છે તેનું તેમને દુ:ખ છે.
આ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આપણે બધાએ જરૂરિયાતમંદો માટે પ્રાર્થના કરવી જોઈએ. પેલેસ્ટાઇનમાં શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરો. જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે પણ પ્રાર્થના કરો.