નવીદિલ્હી, દિલ્હી ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે તેમને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા ઘાયલ થયા હતા. ભાજપના નેતાઓ અને કાર્યકરોને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
અગાઉ મંગળવારે, હાઈકોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી. જે બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવા પર કહ્યું, ’અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ. અમને આશા છે કે સુપ્રીમ કોર્ટમાંથી અમને ચોક્કસ ન્યાય મળશે. જે રીતે સુપ્રીમ કોર્ટે સંજય સિંહના કેસમાં રસ્તો બતાવ્યો તે જ રીતે અરવિંદ કેજરીવાલના કેસમાં પણ સુપ્રીમ કોર્ટ નવો રસ્તો બતાવશે.
આ પહેલા હાઈકોર્ટના નિર્ણય બાદ સૌરભ ભારદ્વાજે પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સંજય સિંહની જામીન અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે. તેમની અરજી ફગાવી દેતી વખતે હાઈકોર્ટે એ જ વાત કહી હતી જે હાઈકોર્ટે મંગળવારે કેજરીવાલની અરજી ફગાવી દેતા કહ્યું હતું. પરંતુ હાઇકોર્ટના આદેશ સામે સંજય સિંહ સુપ્રીમ કોર્ટમાં ગયા ત્યારે તેમને જામીન મળી ગયા.
બીજી તરફ દિલ્હી બીજેપી અયક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, ’અરવિંદ કેજરીવાલ મોંઘા વકીલો પર કરોડો રૂપિયા ખર્ચીને વાતાવરણ બનાવી શકે છે પરંતુ સત્ય બદલી શક્તા નથી. સત્ય એ છે કે અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડમાં ચોરી કરી છે.
તમને જણાવી દઈએ કે કેજરીવાલની ઈડી દ્વારા ૨૧ માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેણે તેને ૨૮ માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો.