મહારાષ્ટ્રમાં બિલાડીને બચાવવા જતા ૫ લોકોના મોત નિપજયાં

મુંબઇ, મહારાષ્ટ્રમાં એક બિલાડીને બચાવવા જતા પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના અહેમદ નગર જિલ્લાની છે. જિલ્લાના નેવાસા તાલુકામાં એક બિલાડી બાયોગેસના ખાડામાં પડી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ તેને બચાવવા ગયેલી વ્યક્તિ ઉપર ન આવતા અન્ય લોકો તેને બચાવવા નીચે ઉતર્યા હતા અને આ રીતે ૬ લોકો બાયોગેસના ઉંડા ખાડામાં ફસાઈ ગયા હતા. મોટી મુશ્કેલીથી એકને જીવતો બચાવી શકાયો જ્યારે બાકીના ૫ના મોત થયા.

કહેવામાં આવી રહ્યું છે કે ગાયના છાણથી ભરેલા બાયોગેસના ખાડામાં ફસાઈ જવાથી બધાના મોત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગઈકાલે થઈ હતી અને મોડી સાંજ સુધી લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના નેવાસા તહસીલના વાકડી ગામમાં સાંજે બની હતી. તેમણે કહ્યું કે, એક બિલાડી ખાડામાં પડી અને એક વ્યક્તિ તેને બચાવવા માટે એક વ્યક્તિ અંદર ઉતર્યો પરંતુ અંદર કાદવમાં ફસાઈ ગયો.

નેવાસા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ધનંજય જાધવે જણાવ્યું હતું કે, તેને બચાવવા માટે, અન્ય પાંચ લોકો એક પછી એક નીચે ઉતર્યા અને અંદર ફસાઈ ગયા. તેમણે કહ્યું કે સક્શન પંપ સાથેની એક બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.