દાહોદના વાડીયા ગામે જમીન માંથી જેસીબીથી ઝાડો કાઢવા બાબતે થયેલ તકરારમાં પથ્થર મારો : એક વ્યકિતને ઈજાઓ

દાહોદ,દાહોદ તાલુકાના વાકીયા ગામે જમીનમાં નવું મકાન બાંધવા માટે જેસીબીથી બાવળાના ઝાડ કાઢવા બાબતે થયેલ ઝઘડા તકરારમાં એક મહિલા સહિત ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પથ્થર મારો કરતાં તેમજ એક વ્યક્તિને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.09મી એપ્રિલના રોજ દાહોદના વાકીયા ગામે નાહાણી ફળિયામાં રહેતાં કાંતાબેન અનુભાઈ કટારા તથા તેમના પરિવારજનો પોતાની જમીનમાં નવુ મકાન બાંધવા માટે જેસીબીથી બાવળાના ઝાડ સાફ સુફ કરતાં હતાં તેવામાં ગામમાં રહેતાં જેમાલભાઈ રામાભાઈ કટારા, કલ્પેશભાઈ જેમાલભાઈ કટારા, વિપુલભાઈ જેમાલભાઈ કટારા તથા લીલાબેન જેમાલભાઈ કટારાનાઓ ત્યાં આવી કહેલા લાગેલ કે, તમે કેમ અમારી જમીનમાંથી ઝાડ સાફ કરો છો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને બેફામ ગાળો બોલી હાથમાં પથ્થરો લઈ દોડી આવી પથ્થર મારો કરતાં અનુભાઈને માથાના ભાગે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે કાંતાબેન અનુભાઈ કટારાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે