મહીસાગર જીલ્લામાં સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સગીરાના લગ્ન અટકાવતાં જાન માંડવેથી પાછી ગઈ

લુણાવાડા,મહીસાગર જીલ્લામાં અવારનવાર બાળ લગ્નની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હાલ ચાલુ વર્ષે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. તેવામાં આજે મહીસાગર જીલ્લામાં બાળલગ્ન થઈ રહ્યા હતા. જેને સમાજ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક ગામમાં આજે લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યો હતો. જ્યાં એક દીકરીનું લગ્ન હતું. ત્યારે તે દીકરીની ઉંમર લગ્નની નિર્ધારિત ઉંમર કરતા ઓછી હતી. એટલે કે 18 વર્ષ કરતા ઓછી હતી. જેથી મહીસાગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીની ટીમ પોલીસ સાથે લગ્નના માંડવે પહોંચી હતી અને બાળલગ્ન અટકાવ્યા હતા.

જ્યારે અધિકારીઓ દ્વારા સગીરા લગ્નની નિર્ધારિત ઉંમરની ન થાય ત્યાં સુધી તેનું લગ્ન ન કરવા માટેનું બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ જીલ્લામાં ઘણી જગ્યાએ બાળલગ્ન થતા હતા. જેને મહીસાગર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સાથે સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા અટકાવવામાં આવ્યા છે.