હાલોલ,મુસલમાનો માટે ખુદાની બંદગી અને ઈબાદતનો તહેવાર એટલે રમજાન ઈદ, રમઝાન મહિનો પૂર્ણ થવાને એક દિવસ બાકી છે. ત્યારે હાલોલ શહેર અને તાલુકાના મુસલમાનો ઈદના દિવસે અનંદમેળાની ત્રીદિવસીય ઉજવણી કરશે. આ માટે શહેરની હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મુસલમાનો માટે પવિત્ર રમજાન માસ રોઝા કરીને ખુદાની બંદગી અને ઈબાદત કરવાનો મહિનો હોય છે. દરેક મુસલમાનો આ મહિના દરમિયાન સવારની નમાજ અને સાંજની નમાજના વચ્ચેના ગાળામાં અન્ન અને પાણીનો ત્યાગ કરે છે જેને રોઝા કહે છે, સાંજની નમાજ અદા કરી રોઝા ખોલવામાં આવે છે. ત્યારે હાલોલ તાલુક અને શહેરના મુસ્લિમો આ રમજાન માસ પૂર્ણ થતાં તેની ત્રિદિવસીય ઉજવણી કરશે.
હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર આવેલા હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રિદિવસીય ઈદ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ પરિવારો પોતાના બાળકો સાથે આનંદ મેળાનો લાભ લેશે. આનંદ મેળામાં બાળકો માટે મનગમતા વિવિધ ચકડોળ તેમજ રમત ગમત અને મનોરંજન માટેના સાધનો લગાવવાની કામગીરી હાલ દરગાહ ખાતે કરવામાં આવી રહી છે. પવિત્ર રમજાન માસ પૂર્ણ થતા મુસ્લિમ પરિવારો મોટી સંખ્યામાં આ આનંદ મેળામાં ઉમટી પરિવાર સાથે આનંદ સાથે મનોરંજન મેળવશે. ઈદની ખુશીમાં લોકો મન મૂકીને બાદશાહ ઈદ આનંદ મેળાનો લાભ લેશે. ઈદના દિવસે શરૂ થતો આ આનંદ મેળો બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ત્રણ દિવસ યોજાશે તેવું બાદશાહ બાબાની દરગાહ કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલોલ તેમજ આજુબાજુના મુસલમાનો મોટી સંખ્યામાં આ ત્રીદિવસીય આનંદ મેળાનો લ્હાવો લેશે.