પાવાગઢ, હિન્દુ પંચાંગનો પહેલો મહિનો તેમજ ર્માં દુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો મંગળવારે પ્રારંભ થતાં પંચમહાલ જીલ્લાના યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ આપી હતી. તો વહીવટી તંત્ર સાથે મળી 9 દિવસ સુધી આવનારા ભક્તોને દર્શન સહિત પ્રાથમિક સુખ સુવિધાઓમાં કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવા તંત્ર કટિબદ્ધ બન્યું છે.
મંગળવારે પ્રારંભ થતાં ચૈત્રી નવરાત્રીના પહેલા અને બીજા દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારે જ દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા. તંત્રના ગણિત સામે યાત્રાળુઓની પાંખી હાજરીએ વેપારીઓમાં નીરસતા જયારે તંત્રને હાશકારો થયો હતો. મંદિરના દ્વાર સવારે 4:00 વાગ્યે ખુલ્યા બાદ માતાજીની આરતીનો લ્હાવો હજારો માઇ ભક્તોએ લીધો હતો. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની આરતી તેમજ મંદિર ખોલવા અને બંધ કરવાના સમયમાં તેમજ ઉડન ખટોલાની સેવાઓના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
વહેલી સવારે માતાજીના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ તળેટી માંથી માચી સુધી અને માંચી થી મંદિર જવાના રેવાપથ ઉપર પગપાળા ચાલતા જોવા મળ્યા હતા. હાલ અસહ્ય ગરમી પરીક્ષાની માહોલ, આઇપીએલ મેચ સહિત ચૂંટણીની આચાર સંહિતાને લઈ યાત્રાળુઓની સંખ્યા પર અસર જોવા મળી હતી. પાવાગઢ આવતા પગપાળા સંઘોની સેવા માટે હાલોલ પાવાગઢ રોડને જોડતા રાજ માર્ગો પર ઠેર ઠેર વિસમા શરૂ કરવામાં આવ્યા છે.
3 ડીવાયએસપી સહિત 823 પોલીસ કર્મીઓ બદોબસ્તમાં તેનાત પાવાગઢ ચૈત્રી નવરાત્રી દરમિયાન રોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓની અવરજવરને લઈ તેમની સુરક્ષા અને સલામતીને લઈ રેન્જ આઇજી રાજેન્દ્ર અસારીની સૂચના અને જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ 3 DYSP, 6 PI , 41 PSI , 303 ASI, HC, PC, 222 હોમગાર્ડ,248 GRD, 823 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને હાલોલ ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ફરજ તૈનાત કરાયા છે.