સુરેન્દ્રનગર, હળવદના દેવળિયા ગામમાં સગીરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. દેવળિયા ગામની સગીર કિંજલ નાયકને તેના પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા ખોટું લાગી આવ્યું. અને વાડીમાં જઈ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મોબાઈ જોવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં સગીરાએ અંતિમ પગલું ભરતા પરિવાર પણ દીકરીને ગુમાવતા હજુ આઘાતમાં છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ હળવદના દેવળિયા ગામમાં એક પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની અને દેવળિયા ગામમાં રહેતા કમલેશભાઈ કંચનભાઈ નાયક માટે પુત્રીને ઠપકો આપવા બહુ ભારે પડ્યો. કમલેશભાઈએ પોતાની પુત્રી વધુ મોબાઈલ જોતી હોવાથી ઠપકો આપ્યો કે વધુ પડતું ના જુએ. પિતાના ઠપકાથી પુત્રીને લાગી આવ્યું અને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. હળવદ પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.