આ મારી છેલ્લી આઇપીએલ સિઝન છે, આરસીબીના દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિક

મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ખૂબ જ ખરાબ રહી છે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ આઇપીએલ સિઝનમાં અત્યાર સુધી કુલ ૫ મેચ રમી છે, પરંતુ તે માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર આરસીબી પ્લેઓફમાંથી બહાર થાય તેમ લાગી રહ્યું છે.આરસીબી હાલમાં ૫માંથી એક જીત સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આવી સ્થિતિમાં આરસીબીના એક અનુભવી ખેલાડીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. આરસીબીના દિગ્ગજ ખેલાડીએ જાહેરાત કરી છે કે આ તેની છેલ્લી આઇપીએલ સિઝન છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી દિનેશ કાર્તિક પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે. અત્યારે પણ જ્યારે આરસીબીને રનની જરૂર હોય છે ત્યારે ચાહકો તેને યાદ કરે છે. પરંતુ હવે દિનેશ કાતકે આઇપીએલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. કાતકના આ નિર્ણયથી માત્ર ફ્રેન્ચાઇઝીને જ ઝટકો નથી લાગ્યો પરંતુ તેના લાખો ચાહકોને પણ ઝટકો લાગ્યો છે. દિનેશ કાર્તિક ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈન સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, “આ મારી છેલ્લી આઇપીએલ સિઝન છે.”

આઇપીએલની આ સિઝનની શરૂઆતની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી હતી. આરસીબીની ટીમ ડબ્લ્યુપીએલ ૨૦૨૪માં ટ્રોફી જીતી ચૂકી છે, તેથી ચાહકોને આશા હતી કે આરસીબી મેન્સ ટીમ પણ આ વર્ષે આઇપીએલ ટ્રોફી ચોક્કસપણે જીતશે, પરંતુ અત્યાર સુધી રમાયેલી કુલ ૫ મેચોમાં આરસીબી જીતે તેવું લાગતું નથી. આરસીબીની ટીમ અત્યાર સુધી એકમાત્ર મેચ જીતી છે જે પંજાબ કિંગ્સ સામે રમાઈ હતી, આ મેચમાં દિનેશ કાર્તિકનું મહત્વનું યોગદાન હતું.