અમદાવાદ, ગુજરાત યુનિવસટીમાં ૧૬ માર્ચની રાત્રે હોસ્ટેલમાં નમાઝ અદા કરવા બદલ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. કેમ્પસની બહારથી આવેલા કેટલાક લોકોએ વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના રૂમમાં તોડફોડ પણ કરી હતી. હવે આ ઘટનામાં વિદેશી વિદ્યાર્થીઓને થયેલા નુક્સાનની ભરપાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવસટીના વાઇસ ચાન્સેલર બે દિવસમાં હોસ્ટેલને થયેલા નુક્સાનની તપાસ કરીને વળતર ચૂકવશે. ગુજરાત યુનિવસટીના વાઇસ ચાન્સેલર નીરજા એ ગુપ્તાએ જણાવ્યું હતું કે હોસ્ટેલના એ બ્લોકમાં નમાઝ અદા કરવાને લઈને શરૂ થયેલા હંગામા પછી કેટલાક લોકો હોસ્ટેલના રૂમમાં ઘૂસી ગયા હતા અને વિદેશી વિદ્યાર્થીઓને માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના વાહનો, લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ, એસી, મ્યુઝિક પ્લેયર અને અન્ય ઉપકરણોને નુક્સાન અંગે માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ હોસ્ટેલને થયેલા નુક્સાનના વળતર માટે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, ૮૦૦ ડોલરની કિંમતના લેપટોપ અને અન્ય વસ્તુઓ સહિત રૂ. ૧,૦૬,૯૦૦નું નુકશાન થયું છે. આ બનાવ અંગે પોલીસે દોષિતોની ધરપકડ કરીને કાર્યવાહી પણ હાથ ધરી હતી. વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ કહ્યું છે કે અમે જે કંઈ નુક્સાન થયું છે તેની માહિતી મેળવી છે અને તેની તપાસ કરી છે. છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને જે કંઈ નુક્સાન થયું છે તેનું વળતર ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે.
૫ વિદેશી વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં લડાઈ દરમિયાન થયેલા નુક્સાનની ભરપાઈ કરવા માટે યુનિવસટીને અપીલ કરી હતી. જે બાદ વિદ્યાર્થીઓને નુક્સાન વિશે પૂછવામાં આવ્યું હતું અને સંપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી. વિદ્યાર્થી અહેમદ ફૈયાઝે લેપટોપ માટે ૮૦૦ ડોલર, નુમાન ઝદરાને મોબાઈલ માટે ૨૪,૯૦૦ રૂપિયા, અહેમદ તારિકે ટુ વ્હીલરના નુક્સાન માટે રૂ. ૩,૦૦૦, અહેમદ વારિસે લેપટોપ માટે રૂ. ૩૮,૦૦૦, બાઇકના નુક્સાન માટે રૂ. ૧૬,૦૦૦ અને એસી માટે રૂ. ૧૬,૦૦૦ અને મ્યુઝિક પ્લેયરમાં થયેલા નુક્સાન માટે રૂ. ૭,૦૦૦ વળતર આપવા અપીલ કરવામાં આવી હતી.