શહેરાના ખાંડીયા પાસે બસની પાછળ બસ ટકરાતા 10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત


શહેરા,
શહેરા ના ખાંડિયા ગામ પાસે ટેલર ગાડીના ચાલકે અચાનક ગાડી વાળી દેતા બસની પાછળ બસ ટકરાતા બન્ને બસમાં મુસાફરી કરતા 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા થવા પામી હતી. આ અકસ્માતમાં ઇજા પામનાર તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શહેરા ગોધરા હાઇવે માર્ગ ઉપર ખાંડિયા ગામની પંચામૃત દાણ ફેક્ટરી પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર લુણાવાડા તરફ જતા ટેલર ના ચાલકે અચાનક તેને ગાડી વાળી દેતા ગોધરા લુણાવાડા બસના ચાલકે ગાડીને બ્રેક મારતા તેની પાછળ આવી રહેલ ઓલપાડ ડેપોની બસ પાછળના ભાગે ટકરાઈ હતી. આ બન્ને બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ગોધરા લુણાવાડા બસના પાછળના ભાગમાં બેઠેલ મુસાફરોને વધુ ઈજા થવા સાથે ઓલપાડ થી બોરવાઈ તરફ જતી બસના ચાલક સહિત મુસાફરોને પણ શરીરે નાની મોટી ઈજા થવા પામી હતી. આ બનેલા અકસ્માતને લઈને રાહદારીઓ તેમજ દાણ ફેક્ટરીની બહાર ઉભેલા લોકો મદદે દોડી જઈને બસના ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતને લઈને 108 ને કોલ કરતા ઘટના સ્થળે ચાર જેટલી 108 આવી જતા તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બનેલા બનાવવાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. આ સર્જાયેલા અકસ્માતમાં 10 કરતા વધુ મુસાફરોને શરીરે નાની-મોટી ઈજા થવા પામી હતી. પોલીસ દ્વારા બસના ચાલકની ફરિયાદના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.