ઇસ્લામાબાદ, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોમાં એક પોલીસકર્મી સહિત ત્રણ લોકોના મોત થયા છે. આ વિસ્ફોટમાં અન્ય ૨૦ લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી.પ્રથમ ઘટનામાં સોમવારે ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં એક મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે ૧૫ લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા.
બીજો બ્લાસ્ટ ખુજદાર શહેરના ઓમર ફારૂક ચોકમાં થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે વિસ્તારમાં ભીડ હતી. અહીં મહિલાઓ અને બાળકો ઈદની ખરીદી માટે આવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે, જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને કાયદા અમલીકરણ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલો અને મૃતદેહોને ખુજદાર ટીચિંગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને બોમ્બ વિસ્ફોટો મોટરસાઈકલમાં આઈઈડીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યા હતા. એવું લાગે છે કે મોટરસાઇકલ આઇઇડી રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહી હતી.
કોઈપણ પ્રતિબંધિત આતંકવાદી સંગઠને આ હુમલાઓની જવાબદારી લીધી નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પ્રાંતમાં આતંકવાદી હુમલામાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત સંગઠનોએ ઘણી વખત સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવ્યા છે. પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ તાજેતરના અઠવાડિયામાં પ્રાંતમાં ત્રણ મોટા આતંકવાદી હુમલાઓનો દાવો કર્યો છે, જેમાં સુરક્ષા કર્મચારીઓએ માર્ચમાં ઓછામાં ઓછા ૧૭ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.