ફ્લેટમાં ૧૬૬ કુપોષિત કૅટ્સ અને ડૉગ્સ રાખવા બદલ ફ્રેન્ચ કપલને ૧.૩૫ કરોડનો દંડ

પેરિસ, ફ્રાન્સના નીસ શહેરમાં પોતાના ફ્લેટમાં ૧૬૬ કુપોષિત અને અત્યંત બીમાર કૅટ તથા ડૉગ રાખવા બદલ એક કપલને ૧.૩૫ કરોડ રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલની સજા ફટકારી છે, એટલું જ નહીં, ૬૯ વર્ષની મહિલા અને તેના બાવન વર્ષના પતિને આજીવન પ્રાણી પાળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ કપલના ૮૦ ચોરસ મીટરના અપાર્ટમેન્ટમાંથી કુલ ૧૫૯ બિલાડી અને સાત કૂતરા મળી આવ્યાં હતાં.

પોલીસ અધિકારીઓને ૨૦૨૩માં એક ફોન આવ્યો હતો. આ ફોન પાડોશીઓ વચ્ચેના ઝઘડાનો હતો, જેમાં એક પાડોશીએ આ કપલ અસ્વચ્છ પરિસ્થિતિમાં પાલતુ પ્રાણીઓ સાથે રહેતું હોવાની ફરિયાદ કરી હતી. કૉલ પછી અપાર્ટમેન્ટના અંદરનો સીન જોઈને પોલીસ શૉક થઈ ગઈ હતી. રૂમમાં બીમાર અને દિવસોથી ભોજન મળ્યું ન હોય એવી સંખ્યાબંધ બિલાડીઓ અને કૂતરા હતા. કેટલીક બિલાડીઓ મરેલી હાલતમાં પડી હતી.