આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા રાજ શેખાવતની વિમાની મથકે જ અટકાયત

  • સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ

કેન્દ્રીય મંત્રી અને રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ વધુને વધુ વકરતો જાય છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કમલનો ઘેરાવ કરીને તેની સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે સવારથી જ કમલમ ખાતે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. એરપોર્ટથી કમલમ તરફ જઈ રહેલાં રાજ શેખાવતને પોલીસે અધવચ્ચે જ દબોચી લીધાં. 

ઉલ્લેખનીય છેકે, કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું હતુકે, જો રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે, જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો તેમનો વિરોધ યથાવત રહેશે. આ મુદ્દે શેખાવતે એવી પણ ચીમકી ઉચ્ચારી હતીકે, જો આ મુદ્દે ભાજપ ઉમેદવાર નહીં બદલે તો તે કમલમ ખાતે આત્મવિલોપન કરશે. અમદાવાદ એરપોર્ટથી કમલમ તરફ જઈ રહેલાં રાજ શેખાવતની પોલીસે અટકાયત કરી હતી. રાજ શેખાવતે  એક વીડિયોમાં જણાવ્યુ હતુ કે જો અમને જો કમલમ સુધી પહોંચવા દેવામાં નહીં આવે તો આત્મવિલોપન કરીશું.

પોલસે જ્યારે અમદાવાદ એરપોર્ટ પાસેથી રાજ શેખાવતની અટકાયત કરી ત્યારે ભારે વિખવાદ પણ થયો હતો. શેખાવતે પોલીસની સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક પોલીસકર્મીએ જીપમાં બેસાડતી વખતે શેખાવતની પાઘડી કાઢી નાંખી હતી. ત્યારે શેખાવત પાઘડીને હાથ ના લગાવતા, એમ કહીને બૂમો પાડતા નજરે પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

દરમિયાન ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર અને મહિસાગર જિલ્લામાં રાજપૂત સમાજે રૂપાલાના વિરોધમાં પ્રદર્શન કર્યુ છે. સુરેન્દ્રનગરમાં રામજી મંદિરમાં કેન્ડલ માર્ચ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો.

વિરોધ દર્શાવવાની સાથે જ ભગવાન રામ રૂપાલાને સદબુદ્ધિ આપે તેવી ક્ષત્રિય સમાજ પ્રાર્થના કરી છે. તો આ તરફ મહિસાગર જિલ્લામાં પણ કેન્ડલ માર્ચ યોજીને ક્ષત્રિયોએ રૂપાલાનો વિરોધ કર્યો હતો. અહીં પણ ક્ષત્રિયોએ મા અંબાને પ્રાથર્ના કરીને રૂપાલા સદબુદ્ધિ આપે તેવી અરજ કરી છે. આમ રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિયો એક પછી એક રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે.