ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી,કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર

પાલનપુર, લોક્સભા ચૂંટણીને લઈ બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન બનાસકાંઠાથી કોંગ્રેસના લોક્સભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગઢ ગામમાં રાત્રિસભામાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠામાં ભાજપની જીત મુશ્કેલ છે. આ સાથે તેમણે કહ્યું કે, વડગામના મતદારો પાલનપુર લવાઈ રહ્યા છે અને રાધનપુરથી મતદારોને ભાભર લવાઈ રહ્યા છે. ઉમેદવાર નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ બદલી હોવાનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. તેમણે ઉમેર્યું કે, ધનશક્તિથી લોકશક્તિ ખરીદી નથી શકાતી.

બનાસકાંઠા લોક્સભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જિલ્લાના ગામડા ખૂંદીને પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે ગઢ ગામમાં આયોજીત રાત્રિ સભામાં ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ગેનીબેને કહ્યું કે, મારે લોક્સભાની ચૂંટણી લડવી ન હતી, પણ મને કિરીટ પટેલે કહ્યું. આ સાથે તેમણે કહ્યું કે, પાર્ટી સંઘર્ષમાં છે તેવા સમયે ચૂંટણી લડવી પડે. અમારા સમાજના અનેક દીકરાઓ પણ જેલમાં છે અને પાટીદાર સમાજના યુવકો પર પણ ખોટા કેસ થયા છે.

બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે રાત્રિ સભામાં ગેનીબેને કહ્યું કે, ભાજપને બનાસકાંઠામાં જીતવું કાઠુ લાગી રહ્યું છે એટલે તો બહારથી મતદારો લાવવા પડી રહ્યા છે. તેમણે કહ્યું કે, વડગામમાં મતદારોની યાદી કેન્સલ કરી પાલનપુરમાં લવાઇ રહ્યા છે તો રાધનપુરથી મતદારોને ભાભરમાં લવાઇ રહ્યા છે. ગેનીબેને આક્ષેપ કર્યો કે, ઉમેદવારો નક્કી થયા બાદ બનાસકાંઠામાં સિસ્ટમ ચેન્જ થઈ છે, આવી સિસ્ટમ કદાચ ગુજરાતમાં કોઈ જગ્યાએ નહી હોય.